Ahmedabad: રૂપિયા 10ના સિક્કાની બબાલ, જમાલપુરમાં પેટ્રોલ પંપ ઉપર સિક્કો ન સ્વીકારાતા મામલો પહોંચ્યો ગ્રાહક સુરક્ષામાં
R.B.I તરફથી આ અંગે પુનઃ સ્પષ્ટતા કરવા અને તમામ ચલણી નાણું અમલમાં છે તે બાબતની મીડિયામાં જાહેરાતો આપવા રજૂઆત કરવા માટે પણ મુકેશ પરીખે સૂચન કર્યું હતું તો વેપારીઓ અને ગ્રાહકોને રૂપિયા 2 અને 10ના સિક્કા અને રૂ.5ની નોટો આર્થિક વ્યવહારમાં સ્વીકારે તેવી અપીલ પણ કરી હતી.
અમદાવાદમાં જમાલપુરમાં એક પેટ્રોલ પંપે 10 રૂપિયાનો સિક્કો નહીં સ્વીકાર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં ફરિયાદ થતા RBI સહિતના વિભાગમાં આ મામલો પહોંચ્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યુ છે કે ગ્રાહકો પેટ્રોલ પુરાવે કે ખરીદી કરે ત્યારે ઈન્ડિયન કરન્સી હોવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સ્વીકારવાનો ઈન્કાર ન કરી શકે. માર્કેટમાં અનેક વેપારીઓ અને કેટલીક બેંકો પણ રૂ.10 ના ચલણી સિક્કા સ્વીકારતી નથી. જોકે આ યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલ પંપ સામે પણ અવારનવાર ફરીયાદો આવે છે. રૂ.10 ના ચલણી સિક્કા સ્વીકારવામાં આવતા નથી. જોકે આ રીતે સિક્કા ન સ્વીકારવા તે યોગ્ય નથી.
જાણો શું છે સમગ્ર ઘટના?
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં A.P.M.C. માર્કેટ સામે આવેલા I.O.C. નો પેટ્રોલ પંપ ગ્રાહકો પાસેથી રૂ.10ના ચલણી સિક્કા સ્વીકારતા નથી અને ગ્રાહકોને પેટ્રોલ આપવાનો ઈન્કાર કરવામાં આવે છે તેવી ફરિયાદ સામે આવી છે.
ફરીયાદી ગ્રાહક અનિશ એહમદ અન્સારી જમાલપુરમાં રહે છે અને બેકરી ધરાવે છે. જેઓએ જણાવ્યું કે તેઓ 20 માર્ચે તેઓ svp હોસ્પિટલ જતા હતા. ત્યારે જમાલપુરના A.P.M.C. પેટ્રોલ પંપ ઉપર એક્ટીવા માટે રૂ.420 નું પેટ્રોલ પુરાવવા રૂ.10 ના બાર સિક્કા આપીને બાકીના રોકડ રૂપિયા આપ્યા તો પેટ્રોલ પંપ કર્મચારીએ 10 ના ચલણી સિક્કા સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
પેટ્રોલ ભર્યા બાદ ગ્રાહકને બિલ આપવાનો પણ ઈન્કાર કરવામાં આવ્યો અને રૂ.10 ના સિક્કા નહી સ્વીકારીને હિસાબમાં લીધા નહતા. પેટ્રોલ પંપ ઉપર Complain Book (ફરીયાદ પોથી) માં ફરીયાદ લખવાનો આગ્રહ કર્યો તો Complain Book આપવામાં આવી નહીં. જેથી સમગ્ર મામલો બીચકયો હતો અને ફરિયાદીએ પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો અને બાદ સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં પહોંચ્યો.
ભારતીય નાણું ન સ્વીકારવું તે ફોજદારી ગુનો બને છે
ગ્રાહક સુરક્ષાના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે ભારતીય ચલણી નાણું અવેજ તરીકે નહીં સ્વીકારવું તે ફોજદારી ગુનો બને છે. તેમજ દેશદ્રોહનો ગુનો પણ ગણાવી પેટ્રોલ પંપ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી તો RBI તરફથી આ અંગે પુનઃ સ્પષ્ટતા કરવા અને તમામ ચલણી નાણું અમલમાં છે તે બાબતની મીડિયામાં જાહેરાતો આપવા રજૂઆત કરવા માટે પણ મુકેશ પરીખે સૂચન કર્યું હતું તો વેપારીઓ અને ગ્રાહકોને રૂપિયા 2 અને 10ના સિક્કા અને રૂ.5ની નોટો આર્થિક વ્યવહારમાં સ્વીકારે તેવી અપીલ પણ કરી હતી.
સમગ્ર ઘટનામાં ગ્રાહક સુરક્ષા અને સમિતિએ I.O.C. ના તથા ઓઈલ કંપનીઓના સત્તાવાળાઓને આ બાબતે પેટ્રોલ પંપ ઉપર નોટીસ બોર્ડ મુકવા તાકીદ કરવાનું જણાવી. ગ્રાહકોને ફરીયાદ લખાવવા માટે ફરીયાદ પોથી આપવી તેમજ ફરજીયાત બિલ આપવું તેમજ રૂ.10 નાં ચલણી સિક્કા પણ લેવા જ જોઈએ.
RBI માધ્યમોમાં જાહેરાત આપીને લોકોની ભ્રમણા દૂર કરે
મુકેશ પરીખના જણાવ્યા પ્રમાણે માર્કેટમાં આવી જ રીતે રૂ.5 ની નોટ પણ સ્વીકારવામાં આવતી નથી. અમદાવાદ શહેર સહિત ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રૂ.10 ના ચલણી સિક્કા અને રૂ.5 ની નોટો સ્વીકારવામાં આવતી નથી અને ઘર્ષણના બનાવો બને છે તો R.B.I તરફથી આ અંગે પુનઃ સ્પષ્ટતા કરવા અને તમામ ચલણી નાણું અમલમાં છે તે બાબતની મીડિયામાં જાહેરાતો આપવા રજૂઆત કરવા પણ સૂચન કર્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…