Ahmedabad : સોલા પોલીસે ગેરકાયદે હથિયારો વેચવાનુ ઝડપ્યુ રેકેટ, આસામ રાઈફલ્સના પૂર્વ જવાન સહિત બેની ધરપકડ, જમ્મુના કલેક્ટરની પણ થશે પૂછપરછ
Ahmedabad: સોલા પોલીસે ગેરકાયદે હથિયારો વેચવાનું રેકેટ ઝડપ્યુ છે. જેમા આસામ રાઈફલ્સના પૂર્વ જવાન સહિત બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર રેકેટની તપાસ અર્થે સોલા પોલીસ જમ્મુ જશે અને સ્થાનિક કલેક્ટરની પણ પૂછપરછ કરશે.
Ahmedabad: અમદાવાદના સોલામાં ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આસામા રાઈફલના નિવૃત આર્મી જવાન આ હથિયારોનું રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર રેકેટમાં નિવૃત આર્મી જવાન પ્રતિક ચૌધરી સહિત ત્રણ આરોપીની સંડોવણી ખૂલી છે. આરોપીઓ જમ્મુ કાશ્મીરથી હથિયારો લાવી ગુજરાતમાં વેચતા હતા. અત્યાર સુધીમાં 20 જેટલા હથિયારો વેચ્યા હોવાનો ખૂલાસો થયો છે.
ગેરકાયદે હથિયારો વેચવાના રેકેટમાં જમ્મુ કલેક્ટર પણ શંકાના ઘેરામાં
આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર, અને મહેસાણામાં હથિયાર વેચ્યા હતા. 11 હથિયાર,147 જીવતા કારતૂસ , 29 ફુટેલા કારતુસ અને 7 ડુપ્લીકેટ લાયસન્સ જપ્ત કરાયા છે. 2થી 3 લાખમાં જમ્મુથી હથિયાર લાવીને 20 લાખ સુધીમાં વેચતા હતા. આરોપીઓ જમ્મુ-કાશ્મીરથી કલેક્ટરના હસ્તાક્ષરવાળુ નકલી લાયસન્સ પણ આપતા હતા. કોર્ટે ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન હથિયાર કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. હાલ કેસમાં તપાસ માટે FSLની મદદ પણ લેવાઈ રહી છે.
આરોપી પાસેથી 7 ડુપ્લીકેટ હથિયારના લાયસન્સ મળ્યા
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઓગણજ નજીક સોલા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ ગાડીને રોકીને તપાસ કરતા ગાડીમાં નિવૃત આર્મીના જવાન પ્રતીક ચૌધરી હતો. તેની પાસેથી એક હથિયાર અને કારતુસ મળી આવ્યા હતા. ગેરકાયદે હથિયારની તપાસ દરમિયાન પોલીસે જમ્મુથી ગુજરાતમાં ચાલતા હથિયાર વેચાણનો કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં વધુ બે આરોપી જતીન પટેલ અને બિપિન મિસ્ત્રીની ધરપકડ કરી. ઉપરાંત તેમની પાસેથી 7 ડુપ્લીકેટ હથિયારના લાયસન્સ પણ મળી આવ્યા હતા. આ ટોળકી હથિયાર સાથે લાયસન્સનો પણ સોદો કરતી હતી.
બંને આરોપી આસામ રાઈફલ યુનિટમાં ફરજ બજાવતા હતા
ગેરકાયદેસર હથિયાર કારોબારમાં મુખ્ય સૂત્રધાર પ્રતીક ચૌધરી છે. જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતો હતો. તેની આસામમાં પોસ્ટિંગ થઈ ત્યારે તે જતીન પટેલના સંપર્કમાં આવ્યો હતો. બન્ને આરોપી આસામ રાઇફલ યુનિટમાં ફરજ બજાવતા હતા. આરોપી જતીન નિવૃત થયા બાદ સચિવાયલમાં સિક્યોરિટી હેડ તરીકે ફરજ બજાવે છે.
ગેરકાયદે હથિયાર ખરીદનાર છ લોકોની કરાઈ ધરપકડ
આરોપી નિવૃત થયા બાદ બન્ને આરોપી ગુજરાતમાં હથિયાર વેચવાનું નેટવર્ક શરૂ કર્યું. જેમાં આરોપી જતીન નિવૃત આર્મી જવાનના સંપર્ક કરીને તેઓના લાઇસન્સ રીન્યુ કરવાના બહાને હથિયાર અને લાઇસન્સ મેળવી લઈને આરોપી પ્રતીક ચૌધરીને આપતો હતો. જ્યારે પ્રતીક ચૌધરી આ લાઇસન્સના આધારે જમ્મુ કશ્મીરથી હથિયાર મેળવી લેતો હતો. જે બાદ ડુપ્લીકેટ લાઇસન્સ બનાવીને ગુજરાતમાં અલગ અલગ લોકોને વેંચતા હતા. તેની સાથે આરોપી બિપિન મિસ્ત્રી હથિયાર ખરીદનાર ગ્રાહકોનો સંપર્ક કરાવતો હતો. આ ત્રિપુટીએ છેલ્લા 3 વર્ષથી 20 થી વધુ લોકોને હથિયાર અને લાઇસન્સ વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હથિયારના સોદાગરો બાદ હથિયાર ખરીદનાર 6 લોકોની ધરપકડ કરી છે જેમાં શેલા ગામના સરપંચ નવસાદ ઉર્ફે શેરબાનું ઇબ્રાહિમ મલેકની ધરપકડ કરી છે.
ગેરકાયદે હથિયાર ખરીદનાર ગ્રાહકો
- ભાવેશ પ્રતાપભાઈ ટેવાણી, વેપારી, બોડકદેવ
- અનિલ ઉર્ફે બાબુભાઈ અરજણજી વાઘેલા, જમીન લે વેચ કરનાર, બોપલ
- નબી ઉર્ફે નબો રહીમભાઈ જાદવ, ખેડૂત, મહેસાણા
- નવસાદ ઉર્ફે શેરબાનું ઇબ્રાહિમ મલિક, શેલા ગામ સરપંચ
- સચિન ઉર્ફે પિન્ટુભાઈ ઠાકોર, ખેડૂત, શેલા ગામ
- સુભાષજી ભીખાજી ઠાકોર, ખેડૂત ગાંધીનગર
પોલીસ તપાસમાં જમ્મુના ગન હાઉસના માલિક રસપાલ નામના શખ્સનું નામ ખુલ્યું છે. આરોપી પ્રતીક ચૌધરી તેની પાસેથી હથિયાર ખરીદતો હતો. તેઓ 2 થી 5 લાખમાં હથિયાર ખરીદીને 15થી25 લાખમાં ગુજરાતમાં વેંચતા હતા. આ હથિયાર જમ્મુથી બસમાં અમદાવાદ લાવતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના લોકોને હથિયાર વેચ્યા હોવાનું ખુલ્યું છે. આ ત્રિપુટીના હથિયાર નેટવર્કને લઈને સોલા પોલીસે 9 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હથિયાર ખરીદનાર 6 લોકોને પણ જુડીશયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો