Ahmedabad: આરોપીને પકડવા પોલીસે ફિલ્મી ઢબે કર્યો પીછો, પોલીસ પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, એક આરોપી ઝબ્બે
Ahmedabad: અમદાવાદના સિંધુ ભવન રોડ પર આરોપીને પકડવા માટે પોલીસે ફિલ્મી ઢબે આરોપીનો પીછો કર્યો હતો. આરોપીને ઝડપી લેવા માટે પોલીસ અને આરોપી વચ્ચે મુખ્ય માર્ગ પર રેસ લાગી હોય તેવો માહોલ સર્જાયો હતો. જે દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો.
અમદાવાદનો સિંધુ ભવન જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જેમ ફિલ્મોમાં પોલીસ આરોપીઓને પકડવા માટે વાનમાં પીછો કરે છે. તેવી જ ઘટના ગઇકાલે અમદાવાદમાં બની છે. રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસની વાને એક વર્ના કારનો પીછો કર્યો હતો. વર્ના કારે પોલીસની વાનને ટક્કર મારીને નાસી છુટી હતી. પોલીસે વર્ના કારને રોકવાની કોશિષ કરતા ચાલકે પોતાની કાર પોલીસ પર ચઢાવી દીધી હતી. જે અંગે બોડકદેવ પોલીસ સ્ટેશન હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
અવિનાશ રાજપુત નામના યુવકની ધરપકડ કરી છે. તેની સાથે રહેલા અન્ય 5 આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. જો ગુનાની હકીકત પર નજર કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે શંકાસ્પદ વર્ના કારને રોકી પોલીસ તપાસ કરવા માટે જતી હતી. તે જ સમયે વર્ના કારના ચાલકે પોલીસ પર કાર ચઢાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જેમાં પોલીસની ગાડીને પણ નુકસાન થયુ હતુ.
જે અંગે બોડકદેવ પોલીસે અવીનાશ સુભાષભાઇ રાજપુત, ધ્રુવીન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવડા અને અજાણ્ય શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિષ તેમજ સરકારી મિલક્તને નુકશાન પહોચાડવાની ફરિયાદ કરી છે. પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થતાની સાથે પીસીઆરવાને વર્ના કારનો પીછો કર્યો હતો. રાજપથ ક્લબથી એસપી રીંગ રોડ સુધી પીસીઆર વાન તેમજ વર્ના કાર વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
બોડકદેવ પોલીસે કારમાંથી ઉતરેલા યુવક અવીનાશ રાજપુતની ધરપકડ કરી લીધી છે. કાર ક્રૃણાલ ચલાવતો હોવાનું અવિનાશની પુછપરછમાં સામે આવ્યુ છે. પોલીસે નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે બે અલગ અલગ ટીમો બનાવી છે. સાથે જ પૂછપરછમાં સામે આવ્યુ કે, અવિનાશે ચાલુ કારમાં ઉતરી જવાનું કહ્યુ હતું. જેથી કૃણાલે તેને ઉતારી દીધો હતો. આ સાથે અવિનાશે કાર પણ ધીમે ચલાવવાનું કહ્યુ હતું પરંતુ કૃણાલે તેની વાત માની નહી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે પોલીસની તપાસમા શુ નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.