Ahmedabad : પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ દેવભૂમિ દ્વારકાથી સિવિલ હોસ્પિટલમાં થયું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, શ્રાવણ મહિનાના પ્રારંભે અમદાવાદ સિવિલમાં 82મું અંગદાન(Organ Donation) થયું છે.
ગુજરાતમાં(Gujarat) 29 મી જુલાઇથી શ્રાવણ મહિનાની(Sharavan 2022) શરૂઆત થશે. જેમાં શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ , પૂજા અને આસ્થાનો મહિનો છે. શ્રાવણ મહિનામાં દાનનો મહિમા પણ અનેરો છે. શાસ્ત્રોમાં કોઇપણ પ્રકારના દાનને પુણ્યનું કાર્ય ગણવામાં આવ્યું છે જ્યારે દાન કરનારને યોદ્ધા જેવું સન્માન મળે છે. તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શ્રાવણ મહિનાની પૂર્વ સંધ્યાએ દેવભૂમિ દ્વારકાથી અંગદાન થયું (Organ Donation) છે.
દેવભૂમિ દ્વારકાના 60 વર્ષીય હમીરભાઇ ગોરીયાને 25 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હમીરભાઈને સારવાર દરમિયાન તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. હમીરભાઇ બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. હમીરભાઇનાં અંગોના રીટ્રાઇવલમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, શ્રાવણ મહિનાના પ્રારંભે અમદાવાદ સિવિલમાં 82મું અંગદાન થયું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં થયેલ 82 અંગદાનમાં 259 અંગોને પ્રોક્યોર કરવામાં આવ્યા છે. જેમાં 134 કિડની, 70 લીવર, 21 હૃદય, 9 સ્વાદુપિંડ, 6 હાથ, 9 ફેફસાં અને 1 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 44 આંખ પણ ડોનેશનમાં મળી છે. આ તમામ અંગોના પ્રત્યારોપણથી 236 લોકોને નવું જીવન આપવામાં સફળતા મળી છે.