Ahmedabad: અદાણી પાવર મુદ્દે કોંગ્રેસ આરપાર, ગુજરાત સરકારને ઘેરતા શક્તિસિંહે કહ્યુ આ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત છે કે ગવર્નમેન્ટ ઓફ ગૌતમ !
Ahmedabad: તમને ક્યારેય સરકારના કોઈ વિભાગે વધારાના રૂપિયા ચૂકવ્યા છે? જવાબ ના માં જ હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને એક-બે લાખ નહીં પરંતુ પુરા 3900 કરોડ રૂપિયા વધારાના ચૂકવી દીધા. કરારની બાબતોને ધ્યાને રાખી GUVNL એ અદાણીને પત્ર લખી વિનંતી કરી કે 3900 કરોડ પરત કરો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્ર જારી કરી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે આ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત છે કે ગવર્નમેન્ટ ઓફ ગૌતમ!
Ahmedabad માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ભાજપના શાસનમાં ચાલી રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો અદાણીને લખવામાં આવેલ પત્ર જારી કર્યો છે અને અને દાવો કર્યો છે કે હિડનબર્ગનો રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટ અદાણી મામલે તપાસનું કહેતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) એ અદાણીને પત્ર લખી 3900 કરોડ રૂપિયા પરત માંગ્યા છે.
GUVNL અને અદાણી વચ્ચે શું હતો કરાર?
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે. તેના ડોક્યુમેન્ટ્સ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUS (કોલસાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નક્કી કરતી સંસ્થા) નો જે ભાવ હોય તેની સરખામણી કરવામાં આવે.
આ સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલ કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં વર્ષ 2018 થી લઈ વર્ષ 2023 સુધીના પાંચ વર્ષના ગાળામાં અદાણીને 13,892 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, જ્યારે અદાણીને કરોડ જ થતા હતા, એટલે કે 3900 કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા.
તપાસથી બચવા અદાણીને પત્ર: શક્તિસિંહ
શક્તિસિંહે દાવો કર્યો કે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, સુપ્રીમ કોર્ટ તપાસની કમિટી બનાવતી હતી તેમજ સેબી તપાસ વચ્ચે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે (GUVNL) અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બિલો આપવામાં આવતા નથી.
માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરી 13,802 કરોડ સરકાર પાસેથી લીધા છે. જે નિયમ અને કરાર કરતા વધારે છે. હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે.
ગવર્નમેન્ટ ઓફ ગુજરાત કે ગવર્નમેન્ટ ઓફ ગૌતમ! : શક્તિસિંહ
શક્તિસિંહે આક્ષેપ કર્યા કરે માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે. ત્યારે તેમણે પ્રશ્નો કર્યા કે,
- વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી?
- 3900 કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું?
- આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી?
- પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા?
- 3900 કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી છે અને પ્રશ્ન પણ કર્યો કે આ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત છે કે ગવર્નમેન્ટ ઓફ ગૌતમ?
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો