Ahmedabad: સરકારી નીતિના કારણે છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600થી વધુ ગ્રાન્ટેડ શાળાના પડી ગયા પાટીયા, વર્ગદીઠ મળતી ગ્રાન્ટમાં શાળાઓને ટેક્સ ભરવાના પણ ફાંફા
Ahmedabad: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામ આધારિત ગ્રાન્ટ આપવાની સરકારની નીતિને કારણે છેલ્લા 14 વર્ષમાં 600 થી વધુ શાળાઓના શટર પડી ગયા છે. હવે સરકારે પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી છે ત્યારે વર્ષ 2009 પહેલાની નીતિ મુજબ વર્ગદીઠ ગ્રાન્ટ અપાશે. જો કે એ ગ્રાન્ટમાં શાળાઓને વીજબિલનો પણ ખર્ચ નીકળતો ન હોવાથી શાળા સંચાલક મહામંડળે વર્ગદીઠ ગાન્ટમાં વધારો કરવાની માગ કરી છે.
Ahmedabad: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રાજ્ય સરકાર દ્વારા બદલવામાં આવી છે. છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600 કરતા પણ વધારે ગ્રાન્ટેડ શાળાઓ (Grant aided Schools)ના પાટિયા પડી ચુક્યા છે ત્યારે સરકારના આ નિર્ણય બાદ પણ ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિમાં સુધારો આવે એવી શક્યતાઓ ઓછી છે કારણ કે સરકાર આ શાળાઓને પ્રતિવર્ગ, પ્રતિમાસ માત્ર 3 હજાર રૂપિયા ચૂકવે છે.જેમાં તો કેટલીક શાળાઓને લાઈટબિલ પણ ભરવાના ફાંફાં પડે છે.
શાળામાં 6 થી 30 વર્ગ હોય તેમને પ્રતિ વર્ગ 2500 રૂપિયા
ગ્રાન્ટેડ શાળાઓ માટેની પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રાજ્ય સરકાર દ્વારા બદલવામાં આવી છે અને હવે સરકાર 2009 પહેલાની નીતિ મુજબ વર્ગખંડ દીઠ ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટ આપશે.જે મુજબ જે શાળામાં 1 થી 5 વર્ગ હોય એમને પ્રતિ વર્ગ, પ્રતિ માસ ત્રણ હજાર રૂપિયા નિભાવ ખર્ચ અપાશે. જે શાળામાં 6 થી 30 વર્ગ હોય એમને પ્રતિ વર્ગ 2500 અને 30 થી વધુ વર્ગ ધરાવનાર શાળાઓને 1650 રૂપિયા અપાશે.
એક વર્ગના દર મહિને 1650 થી લઈ ત્રણ હજાર જ રૂપિયા આપવામાં આવતા હોવાથી આટલામાં તો અનેક શાળાઓને લાઈટ બિલ અને મનપાના ટેક્સ ભરવામાં પણ ફાંફાં પડતા હોય છે. શાળાઓમાં પટ્ટાવાળા, સફાઈકર્મી અને સ્ટેશનરીનો ખર્ચ અલગથી આવતો હોવાથી શાળાઓને નિભાવ ખર્ચ પણ ના નીકળતો હોવાની રાવ છે.
30થી વધુ વર્ગ ધરાવનાર શાળાઓને 1650 રૂપિયા અપાશે
રાજ્ય સરકારની ગ્રાન્ટેડ શાળાઓને પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ 2009માં અમલમાં આવી હતી. એમાં પણ 30% થી ઓછા પરિણામવાળી શાળાઓને એક પણ રૂપિયો ગ્રાન્ટ આપવામાં આવતી ના હતી. એ સ્થિતિમાં છેલ્લા 14 વર્ષમાં રાજ્યની 600 કરતાં પણ વધારે ગ્રાન્ટેડ શાળાઓના પાટિયા પડી ગયા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ સિવાય રાજ્યની 60 ટકા ગ્રાન્ટેડ શાળાઓમાં પટાવાળા પણ નથી.આ સ્થિતિમાં સંચાલકોને આટલી ગ્રાન્ટમાં પરવડતું ના હોવાનું તેઓ જણાવે છે અને ગ્રાન્ટમાં વધારો કરવા માટે પણ તેમણે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં 1 થી 6વર્ગ વાળી શાળાને પ્રતિ વર્ગ 3 હજારથી વધારી 5 હજાર, 7 થી 16 વર્ગની શાળાને 4500 અને 16 વર્ગથી વધુની શાળાને પ્રતિવર્ગ 4 હજારની ગ્રાન્ટ આપવા માંગ કરાઈ છે.
શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળાઓને મળતી ગ્રાન્ટની રકમ 2009માં નિયત કરાઈ હતી એ 14 વર્ષ બાદ પણ એ જ છે. આ સ્થિતિમાં પ્રતિવર્ષ સરકારી ધોરણે મોંઘવારીમાં થતા વધારા મુજબ ગ્રાન્ટ ચૂકવવી જોઈએ. હાલની રકમમાં સંચાલકો શાળા ચલાવે કે સેવા કરે એ પ્રશ્ન છે કારણ કે જે નિભાવ ખર્ચ મળે છે એ ખૂબ જ ઓછો છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો