લોકસભાની ચૂંટણીઓ પૂર્વ સતર્ક બનેલી ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ચાલતા દેશી બનાવટના હથિયારોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 25 પિસ્તોલ તથા 90 રાઉન્ડ સાથે 06 આરોપીઓને ગુજરાત એ.ટી.એસ.દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
ATS ને બાતમી મળી હતી કે બસ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો ઈસમ ગેર કાયદેસર પિસ્ટલો તથા કારતૂસોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડિલીવરી કરવા આવનાર છે. આ બાતમીના આધારે ATS ની ટીમો નારોલ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મળેલ બાતમીના વર્ણન મુજબની બે વ્યક્તિ દેખાતા તેઓને અટકાવી તલાશી લેતા શિવમ ઉર્ફે શિવા ઇન્દરસીંગ ડામોરની પાસેથી પિસ્ટલ નંગ-05 તથા પિસ્ટલના કારતૂસ નંગ-20 મળી આવ્યા હતા.
ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાયે સમગ્ર ઓપરેશ અંગે મીડિયા બ્રિફિંગ કરતા જણાવ્યું કે શિવમને ATS હેડ ક્વાર્ટર ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇંદ્રસિંહ ડામોર ચાલુ વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સ બસમાં મધ્ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો. જે દરમ્યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડ્યા હોવાની કબૂલાત કરી હતી.
શિવમે કરેલ ખુલાસા બાદ ATS ની જુદી જુદી ટિમો બનાવી કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા જુદા સ્થળોએથી વધુ 20 પિસ્ટલો તથા 70 રાઉન્ડ કબ્જે કરી વધુ ચારને ઝડપી પાડ્યા હતા.
હાલ ઝડપાયેલા તમામ 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, રિમાન્ડ દરમ્યાન મુખ્ય સૂત્રધાર શિવમ પાસેથી નીકળનારી વધુ માહિતીને આધારે ગુજરાતમાં વેચવામાં આવેલ અન્ય શસ્ત્રો તથા મધ્ય પ્રદેશના શસ્ત્ર વિક્રેતાઓના નામ બહાર આવવાની શક્યતા છે.
આ પણ વાંચો: રાજસ્થાનની માફક અમદાવાદનો કન્વીક્શન રેટ વધે તેવી કામગીરી કરવા પોલીસ કમિશ્નર જી એસ મલિકની તમામ પી.આઈને તાકીદ