Ahmedabad: રાજ્યમાં 1લી જૂન 2023થી નવી શિક્ષણ નીતિ લાગુ થશે, 6 વર્ષથી ઓછી વયજૂથના બાળકો માટે શરૂ થશે બાળવાટિકા
Ahmedabad: રાજ્યમાં 1લી જૂન 2023થી નવી શિક્ષણ નીતિ લાગુ થશે. જે અંતર્ગત 6 વર્ષથી ઓછી વયજૂથના બાળકો માટે રાજ્યમાં બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર અધિકૃત પરિપત્ર કરી નીતિ અને બાળવાટિકા કેવી રીતે કામ કરશે એ જાહેર કરશે.
નવી શિક્ષણ નીતિ લાગુ થવાની સાથે પહેલા ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષ પૂર્ણ થતા હોવા જરૂરી છે. સિનિયર કેજી પૂર્ણ કરી ચુક્યા હોય અને 1 જૂન 2023 સુધી 6 વર્ષ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર બાળવાટિકા શરૂ કરશે. અગાઉ એક્શન કમિટીની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જો કે આજે શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરે બાળવાટિકા શરૂ કરવા અંગે નિવેદન આપી સ્પષ્ટતા કરી છે.
બાળવાટિકા કેવી રીતે કામ કરશે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાશે-કુબેરસિંહ ડીંડોર
રાજ્યમાં 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટીકા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર લેવા જઈ રહી છે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ થતાં હોય એવા જ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવનાર છે ત્યારે 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે અંગે આગામી સમયે રાજ્ય સરકાર અધિકૃત પરિપત્ર કરી નીતિ અને બાળવાટિકા કેવી રીતે કામ કરશે એ જાહેર કરશે.
આંગણવાડી હેઠળ બાળવાટિકા 1-2 કામ કરશે-કુબેરસિંહ ડીંડોર
મળતી માહિતી મુજબ 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે બાળવાટિક 1, 2 અને 3 શરૂ કરવામાં આવશે. જેમાં 3થી 4 વર્ષના બાળકોને બાળવાટિકા-1માં પ્રવેશ અપાશે. 4 થી 5 વર્ષના બાળકો બાળવાટિકા-2 માં અને 5 થી 6 વર્ષના બાળકો બાળવાટિકા-3 માં અભ્યાસ કરતા જોવા મળશે. રાજ્યમાં હાલ કાર્યરત આંગણવાડી હેઠળ બાળવાટિકા 1-2 કામ કરશે. જ્યારે જે-તે પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા-3 નો સમાવેશ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરે બાળવાટિકા અંગે વાતચીત કરતા જણાવ્યું કે રાજ્યમાં 1 જૂન 2023 થી રાજ્યમાં નવી શિક્ષણ નીતિની અમલવારી શરૂ થશે. જેના હેઠળ બાળ કલ્યાણ વિભાગ સાથે મળી બાળવાટિકા શરૂ કરવાનું આયોજન કરાયું છે. જે અંગેનો પરિપત્ર આગામી દિવસોમાં વધારે અભ્યાસ સાથે કરવામાં આવશે.
રાજ્ય સરકારે ગત શૈક્ષણિક વર્ષથી 2020માં નોટિફિકેશન કરીને RTE એક્ટમાં સુધારારૂપે ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ ફરજિયાત કર્યો છે. જો કે નિયમ જૂન 2023થી લાગુ થવાનો છે. જેને લઈને વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છૂટ આપવા અને આ વર્ષ પુરતુ 1 લી જૂને 6 વર્ષ પુરા થયા ન હોય તેવા બાળકોને પણ ધોરણ 1માં પ્રવેશ આપવાની માગ કરવામાં આવી છે.
જો કે નિયમમાં કોઈ છૂટ કે ગ્રેસિંગ આપવાની સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાળવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.