Ahmedabad: કાયદો વ્યવસ્થાના ફરી ઉડ્યા લીરેલીરા, માધવપુરામાં છરીના ઘા ઝીંકી યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો, પોલીસે 4 આરોપીને દબોચ્યા
Ahmedabad: માધવપુરામાં જુના ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાર આરોપીઓએ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો અને અને આરોપીની ભાઈ સાથેના ઝઘડાની અદાવત રાખી ચારેયે મળી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી.
Ahmedabad: શહેરમાં ગુનેગારો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે અને પોલીસનું નાક કાપીને હાથમાં આપતા હોય તેમ કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી રહ્યા છે. આવુ એટલે કહેવુ પડે છે કે શહેરમાં ઠક્કરનગર, બાપુનગર બાદ હવે માધવપુરામાં ચાર આરોપીઓએ મળીને યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો. યુવકની હત્યા પાછળ કારણભૂત હતો જુનો ઝઘડો.
આરોપીના નાના ભાઈ સાથેના ઝઘડાની અદાવત રાખી આરોપીઓએ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ યુવકને ચાકુના ઘા ઝીંકી પતાવી પણ દીધો અને ત્યા સુધી પોલીસ કંઈ જ કરી ન શકી.
અસામાજિક તત્વો પર પોલીસ ક્યારે લગામ લગાવશે?
યુવકની હત્યા થયા બાદ પોલીસ દોડતી થઈ અને ચારેય હત્યારાઓની ધરપકડ કરી છે. શહેરમાં એક જ સપ્તાહમાં ત્રણ ત્રણ હત્યા થઈ જાય છે અને પોલીસને હંમેશા હત્યા થઈ ગયા પછી જ જાણ થાય છે. હત્યારાઓ અને ગુનેગારો એટલી હદે બેફામ બની રહ્યા છે કે તેમને હવે પોલીસનો પણ ડર રહ્યો નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ આવા અસામાજિક તત્વો પર ક્યારે લગામ લગાવશે? શું પોલીસ અસામાજિક તત્વોને ડામવામાં ઉણી ઉતરી રહી છે?
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ ક્યારે વધારશે?
છાશવારે શહેરમાં બનતા હત્યાના બનાવો પરથી એવુ લાગે છે કે અહીં પણ યુપી બિહારની જેમ ગુંડારાજની સ્થિતિનું ધીમે ધીમે નિર્માણ થઈ રહ્યુ છે. સરેઆમ, નાની નાની બાબતોમાં ઠંડા કલેજે હત્યા કરી દેતા ગુનેગારો સ્હેજ પણ અચકાતા નથી અને તેમને કાયદાનો ડર પણ નથી રહ્યો.
દર બીજા દિવસે મર્ડર જેવી ઘટનાઓ પોલીસની કામગીરી સામે પણ સવાલ ખડા કરે છે. શહેરની વચ્ચોવચ્ચ આવેલા માધવપુરામાં જાહેરમાં એક યુવકને ચાકુના ઘા મારી ચાર નરાધમોએ રહેંસી નાખ્યો. સ્થાનિકોએ ઘટનાને પગલે હોબાળો મચાવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે રાત્રિ દરમિયાન એવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કેમ વધારવામાં નથી આવતુ.
આરોપીઓએ હત્યા પહેલા ઘડ્યો હતો હત્યાનો પ્લાન
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર માધવપુરામાં રહેતા કૃણાલ ઠાકોર નામના યુવકને એક્ટિવા પર આવેલા 4 શખ્સો કરણ રાજપૂત, પિયુષ ઠાકોર, ચિરાગ ઠાકોર અને રાજ ઠાકોરે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. હત્યા પહેલા આરોપીઓ કૃણાલના ઘરે ગયા અને ઝઘડો કરીને હુમલો કર્યો હતો. પરંતુ કૃણાલના પરિવારે પોલીસને જાણ કરતા આરોપી ત્યાંથી એ સમયે તો ભાગી ગયા પરંતુ રાત્રિના સમયે કૃણાલ એકલો મળી આવતા તેના પર છરીશી હુમલો કરી હત્યા કરી નાખી.
આ પણ વાંચો: Breaking News : ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, મુકુલ વાસનિકને સોંપાઈ ગુજરાતની જવાબદારી
એક આરોપીએ પકડી રાખ્યો અને બીજા આરોપીએ ઉપરાછાપરી ઝીંક્યા ચાકુના ઘા
ફિલ્મી ઢબે એક આરોપી ચિરાગે મૃતક કૃણાલને પકડ્યો અને આરોપી પિયુષ અને કરણને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા કર્યા બાદ આરોપી મુંબઈ બાજુ ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં ચાર આરોપીની ધરપકડ કરી છે.
નોંધનીય છે કે મૃતક અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહેતા હતા અને તેમની વચ્ચે જુની બબાલ ચાલી રહી હતી. માધવપુરા પોલીસે હત્યા કેસમાં ફરાર એક આરોપીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી છે. ત્યારે આરોપી હત્યા કર્યા બાદ છરી ક્યાં ફેંકી દીધી અને કોની પાસેથી છરી લીધી હતી સાથે જ હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો