Ahmedabad: પોરબંદરથી પકડાયેલા ISKPના આતંકવાદીઓની તપાસમાં જેહાદી ષડયંત્રનો પર્દાફાશ, છેલ્લા દોઢ વર્ષથી જેહાદના નામે ખિલાફત સ્થાપવા કરી રહ્યા હતા પ્લાનિંગ
Ahmedabad: પોરબંદરથી પકડાયેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સના આતંકીઓની તપાસમાં જેહાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ચારેય આતંકીઓને જેહાદના નામે આતંકી બનાવનાર હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદરથી અફઘાનિસ્તાન પહોંચાડવા માટેની સૂચના આપવામાં આવી હતી.
ISKPના પાંચ આતંકીઓએ આતંક મચાવવાના લીધા હતા શપથ. ઇસ્લામિક સ્ટેટ્સના નામથી જેહાદી શપથનો વીડિયો બનાવીને અફઘાનિસ્તાન જવાનું હતું ષડ્યંત્ર. ગુજરાત ATSએ આતકીઓના જેહાદી ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો. છેલ્લા દોઢ વર્ષથી જેહાદના નામે ખિલાફત સ્થાપવા આતંકીઓ કરી રહ્યા હતા પ્લાનિંગ. આતંકી ફન્ડિંગ અને ફિદાઈન હુમલાને લઈને આતકીઓની પૂછપરછ શરૂ કરાઇ છે.
આતંકવાદીઓની તપાસમાં જેહાદી ષડયંત્રનો પર્દાફાશ
પોરબંદરમાં પકડાયેલા ISKP (ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવીન્સ)ના આતંકી ઉબેદ નાસીર મીર, મોહમ્મદ હાજીમ શાહ, હનાન હયાત શૉલ અને સુમેરાબાનું મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ બાદ ગુજરાત ATSએ વધુ એક આતંકી ઝુંબેર મુનશીની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આતંકવાદીઓની તપાસમાં જેહાદી ષડ્યંત્રનો ખુલાસો થયો છે. તેમણે ખીલાફત સ્થાપવા માટે પોતાની વફાદારી બતાવવા શપથ (બાયા ‘હ’ ) લેતો વિડ્યો બનાવ્યો હતો.
જેમાં આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ્સના ઝંડાની સામે ઘાતક હથિયાર સાથે શપથ લીધા હતા. આ ઉપરાંત ISIS ને સમર્થન આપતા ગેફેટી દીવાલ પણ બનાવી હતી. આ આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે જેહાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમની પાસે જેહાદી ફાઇલ્સમાં જિહાદ, હિજરત, કૂફર, ખિલાફ્ત અને ISIS માં જોડાવાના ઉદ્દેશ્ય વિશે લખાણ લખ્યું હતું. આ પુરાવાનો ATS એ જપ્ત કરીને આતંકીઓના સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે.
આતંકીઓને પોરબંદરથી અફઘાનિસ્તાન મોકલવાનુ હતુ ષડયંત્ર
કાશ્મીરી યુવાનો અને સુરતની મહિલાને જેહાદના નામે આતંકી બનાવનાર હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદરથી અફઘાનિસ્તાન પહોંચાડવા માટેની સૂચના આપવામાં આવી હતી જેમાં આતંકીઓ મજૂર તરીકે ફિશીંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટના કપ્તાનનો ઉપયોગ કરીને જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા. જ્યાં તેઓને ઢાઉ દ્વારા ઈરાન લઈ જઈને નકલી પાસપોર્ટ દ્વારા ખોરાસન પહોંચાડવાના હતા. પકડાયેલ આતંકીઓ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી આતંકવાદી કૃત્યમાં ભાગ લેવા અને શહાદત હાંસલ કરવાના હતા. ત્યારબાદ હેન્ડલર અબુ હમઝા અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા પુર્વ રેકોર્ડ કરેલ નિવેદનનો વીડિયો અને ફોટોગ્રાફ ઉપયોગ કરવાના હતા. જો કે તે પહેલા જ ATSએ પાંચેય આતંકીઓને ઝડપીને ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો. જોકે શરૂઆતમાં ત્રણ આતંકીઓ અફઘાનિસ્તાન જવાની સૂચના હતી. જે બાદ સુમેરાબાનું અને ઝુંબેર જવાના હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આતંકી સુમેરા કોર્ટના ધક્કા અને પારિવારિક ઝઘડાથી કંટાળી જેહાદી મોડ્યુલ તરફ વળી હોવાનો ખૂલાસો
ISKP ના આતંકી મોડ્યુલ સાથે ઝુંબેર મુનસી અને સુમેરાબાનું વધારે પ્રભાવિત થયા હતા. આતંકી ઝુબેર ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હતો. જ્યારે સુમેરાબાનું પોતે પારિવારીક ઝઘડાના કોર્ટના ધક્કાથી કંટાળીને જેહાદી મોડ્યુલ તરફ આકર્ષિત થઈ હોવાનું ખુલ્યું છે. તે એટલી નિરાશ હતી કે તે કોર્ટમાં ફિદાઈન હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહી હતી. જેમાં કોર્ટમાં જજ અને તમામ રૂમની રેકી કરી હતી કારણકે સુમેરાબાનું વર્ષ 2020થી પતિ સાથે છૂટાછેડા અને ભરણપોષણ માટે કોર્ટમાં લડત આપી રહી હતી. પરંતુ ન્યાયમાં વિલંબ થતા જ તે સોશિયલ મીડિયા મારફતે ISKP આતંકી સંગઠન સાથે જોડાઈ ગઈ હતી અને તે કશ્મીરમા પણ આ ચાર આતંકીઓ સાથે મીટીંગ કરી હતી.
ફોન ટ્રેસ ન થાય માટે સુમેરા ફોન ઘરે મુકીને જતી
આ આતંકીઓ મેગા કલાઉડ એપ્લિકેશનમાં જેહાદી સાહિત્ય અને વફાદારી પ્રતિજ્ઞા વીડિયો મુક્યો હતો. સુમેરાબાનું ફોન પોલીસ ટ્રેસના કરી શકે માટે મોબાઇલ ફોન સુરત પોતાના ઘરે મૂકીને જતી હતી અને એક ડમી નંબર મેળવીને જમ્મુ કશ્મીર જતી અને સીમકાર્ડ જમ્મુ કશ્મીરમાં ડિસ્ટ્રોય કરી નાખતી હતી. નોંધનીય છે કે આતંકી સુમેરાબાનું અને શ્રીનગરના ચારેય આતંકી એમ પાંચ લોકોએ ભેગા મળી જમ્મુ કશ્મીરમાં બે થી ત્રણ વખત મીટીંગ કરી ચુક્યા છે.
ISKP નો હેન્ડલર અબુ હમઝા સાથેનું એક ગૃપ એક્ટિવ
આતંકીઓની તપાસમાં સામે આવ્યું છે કે ટેલિગ્રામના ત્રણથી વધુ ગૃપમાં સંકળાયેલા હતા.જેમાં પાંચ આતંકીઓ અને ISKP નો હેન્ડલર અબુ હમઝા સાથેનું એક ગૃપ એક્ટિવ હતું. આ સાથે અન્ય ગ્રુપમાં પણ ISKP સાથે સંકળાયેલા સ્લીપર સેલને લઈ ATSએ તપાસ શરૂ કરી છે. જેમાં આ ગૃપ મારફતે અન્ય યુવાનો કેવી રીતે જેહાદી પ્રવૃત્તિ મારફતે પ્રભાવિત કરવામાં આવતા હતા. તેમજ આતંકી તાલીમ આપવામાં આવતી હતી કે નહીં અને વિદેશી ફન્ડિંગ મેળવવા અંગે આતંકીઓ પ્રવૃત્તિને લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.