Ahmedabad: રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ ફરી થઈ લાલઘુમ, સંબંધિત વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો
Ahmedabad: રખડતા ઢોર, આડેધડ પાર્કિંગ, અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. દિવસે દિવસે વકરી રહેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો અને નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે.
Ahmedabad: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. રસ્તા પર રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કેટલાક કિસ્સામાં લોકોના મોત થયા હોવાના પણ બનાવ બન્યા છે. આ અંગે હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ નક્કર કામગીરી કરવા અનેકવાર નિર્દેશ આપ્યા હોવા છતા કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થતા હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. રસ્તા પર રખડતા ઢોરની સમસ્યાથી રાજ્યનું એકપણ શહેર બાકાત નથી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2017માં થયેલી જાહેર હિતની અરજી પર અનેકવાર સુનાવણી હાથ ધરાઈ છે. જો કે હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આખરે હાઈકોર્ટ અધિકારીઓનો ઉધડો લીધો.
કોર્પોરેશનના સોગંધનામાં બતાવાયેલી મોટી મોટી કામગીરી માત્ર કાગળ પર- હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર, બિસ્માર રોડ રસ્તા, આડેધડ પાર્કિંગ અને અન્ય સમસ્યાઓ મામલે તમામ મ્યુનિસિપલ કમિશનર, સંબંધિત જવાબદાર અધિકારીઓ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. આજે તમામ વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા. જેમાં હાઇકોર્ટ પોલીસ વિભાગને કડક સવાલ કરતા કહ્યું કે તમારો વિભાગ શું કામ કરી રહ્યો છે, કોર્પોરેશનના અધિકારીઓ કામ કરે છે તો તેમના પર હુમલાઓ થાય છે પરંતુ પોલીસ તેમને રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
હાઈકોર્ટે વધુમાં ઉમેર્યુ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામા મોટી મોટી કામગીરી બતાવવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ ઉભરી આવી છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અપાયેલા રિપોર્ટમાં તમામ સમસ્યાઓ જૈસે થે જ છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારનો ફરક તેમાં પડ્યો નથી. આ ઉપરાંત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને સવાલ કરતા કહ્યું કે તમને અંદાજો પણ છે કે શહેરી વિસ્તાર અને તેની બહાર શું થઈ રહ્યું છે?
આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં થયેલી યુવકની હત્યાનો ખૂલ્યો ભેદ, સમલૈંગિક સંબંધ બાંધવા દબાણ કરતા યુવકે કરી નાખી હત્યા
વધુ સુનાવણી 7 નવેમ્બરે મુકરર કરાઈ
આ તમામ પ્રશ્નો મામલે એડવોકેટ જનરલ તરફથી હાઇકોર્ટને અંતિમ વિનંતિ કરવામાં આવી હતી કે તેમને છેલ્લી વખત સમય આપવામાં આવે અને એડવોકેટ જનરલની વિનંતિ બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને તમામ વિભાગને સાત દિવસનો સમય આપતા પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અંતિમ સમય આપતા કહ્યું કે અમારી પાસે કંટેમ્પ્ટ ઓર્ડર તૈયાર છે પરંતુ અમે નથી ઈચ્છતા કે કોઈ અધિકારીને સજા થાય તેની સામે અમે એવું પણ નથી ઈચ્છી રહ્યા કે કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે, એડવોકેટ જનરલે વિનંતિ કરી છે માટે સમય આપવામાં આવી રહ્યો છે પરંતુ હવે બહુ થયું. 7 નવેમ્બર સુધી પરિણામલક્ષી કામગીરી થવી જોઈએ નહીં તો 7 નવેમ્બરે હાઇકોર્ટ કઠોર ઓર્ડર પાસ કરશે. આ કેસમાં વધુ સુનાવણી 7 નવેમ્બરે નિર્ધારીત કરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો