Ahmedabad: વિરાટનગરમાં વીર જવાન મહિપાલસિંહની શહીદ યાત્રા, સંતાનના આગમન સમયે જ પિતાની વિદાય, જુઓ Video
જમ્મુ-કાશ્મીરમાં મહિપાલસિંહ ફરજ પર હતા જે દરમ્યાન આતંકીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા. અમદાવાદમાં તેમની શહીદ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મા ભોમની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વિરાટનગરના (Viratnagar) વીર જવાન શહીદ મહિપાલસિંહ વાળાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી. ગુજરાતના સપૂતને શ્રદ્ધાંજલિ આપવા જાણે કે આખું અમદાવાદ ઉમટી પડ્યું. શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમ યાત્રામાં જંગી જનમેદની ઉપસ્થિત રહી. અબાલવૃદ્ધ સૌ કોઇ સપૂતના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. આ દરમિયાન ‘શહીદ જવાન અમર રહો’ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી. સેનાના જવાનો દ્વારા શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ સમયે મહિપાલસિંહના પત્ની અને માતા સહિતના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઇની આંખો ભીની થઇ.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતાં-લડતાં શહીદ થયેલા 25 વર્ષીય મહિપાલસિંહનો પાર્થિવ દેહ વિરાટનગરમાં તેમના નિવાસસ્થાને પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે ઉમટ્યા. મહિપાલસિંહ અમર રહોના નાદ સાથે સમગ્ર વિરાટનગર ગુંજી ઉઠ્યું. આ દરમિયાન નાનકડા બાળકે હાથમાં તિરંગા અને શૌર્યગીત સાથે શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
મહિપાલસિંહ પાંચેક વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. શરૂઆતમાં તેમણે જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ ગુવાહાટી અને ચંડીગઢમાં ફરજ બજાવી હતી અને 6 મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સેનાની વિશેષ ટુકડી 34 રાઈફલમાં સેવા આપતા હતા.
આ પણ વાંચો : શહીદ જવાન મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા વિરાટનગરમાં ઉમટી વિરાટ જનમેદની, CMએ પણ આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video
શહીદ મહિપાલસિંહ એક મહિના પહેલાં જ અમદાવાદ આવ્યા હતા. મહિપાલસિંહનાં લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયાં હતા. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને પ્રસૂતિનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એકતરફ મહિપાલસિંહનાં પત્ની હોસ્પિટલમાં છે અને બીજીતરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આભ તૂટી પડ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની, માતા મોટાભાઈ અને બે બહેનો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો