Ahmedabad : ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ, ફલાઇટની ટિકિટના ભાવમાં અધધ.. 300 ટકાથી વધુનો વધારો
મેચ માટે ટિકિટ બૂકિંગ અને હોટેલ બૂકિંગ માટે અત્યારથી જ ભારે માગ જોવા મળી રહી છે. જેના પગલે ટિકિટના દર અને હોટેલના દરમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ જ પ્રમાણે ફ્લાઇટ બૂકિંગ (Flight booking) માટે પણ લોકોની ભારે માગ જોવા મળી રહી છે. જેના પગલે હવાઈ મુસાફરીના ભાવમાં વધારો થયો છે.
Ahmedabad : ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) 15 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. જેને લઇને ન માત્ર ગુજરાતીઓ પરંતુ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મેચ માટે ટિકિટ બૂકિંગ અને હોટેલ બૂકિંગ માટે અત્યારથી જ ભારે માગ જોવા મળી રહી છે. જેના પગલે ટિકિટના દર અને હોટેલના દરમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ જ પ્રમાણે ફ્લાઇટ બૂકિંગ (Flight booking) માટે પણ લોકોની ભારે માગ જોવા મળી રહી છે. જેના પગલે હવાઈ મુસાફરીના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો-Gujarat Video : રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસને નહીં મળે પ્રવેશ, ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ
ક્રિકેટ રસિકોને નથી નડી રહ્યા ફ્લાઇટના વધારે ભાવ
અમદાવાદમાં 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચને લઈને બે મહિના પહેલા જ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ક્રિકેટ રસિકોએ મેચના બે મહિના પહેલાથી જ શહેરમાં હોટલ બુકિંગ કરાવવા અને ફ્લાઇટ બુકિંગ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના કારણે હોટલ સાથે હવાઈ મુસાફરીના ભાવ પણ ઉચકાયા છે. ટુર સંચાલકોની વાત માનીએ તો એક અંદાજ પ્રમાણે હવાઈ મુસાફરીમાં 300 ટકાથી પણ વધુ ભાવ ઉચકાયા છે. જોકે ક્રિકેટ રસિકોને આ ભાવ વધારો નડી રહ્યો નથી. અધધ ભાવ હોવા છતાં ક્રિકેટના ચાહકો હવાઈ ટિકિટ બુક કરાવવામાં લાગ્યા છે.
એવુ નથી કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર એક જ મેચ યોજાવાની છે. અહીં કુલ પાંચ મેચ યોજાવાની છે. અમદાવાદમાં પ્રથમ મેચ 5 ઓક્ટોબરે યોજાવાની છે. જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે યોજાવાની છે. જો કે આ પાંચેય મેચમાં ક્રિકેટ રસિકોની ફેવરિટ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે. જેથી ફ્લાઇટના ભાવમાં સૌથી વધુ ભાવ 15 ઓક્ટોબરની આસપાસના દિવસોમાં જોવા મળી રહ્યા છે.
12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધીનો ફ્લાઇટનો ભાવ
15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. ત્યારે તે પહેલા અને પછીના દિવસના ફ્લાઇટના ભાડાની વાત કરીએ તો 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી તેની અસર જોવા મળી રહી છે. સૌથી વધારે કોલકાતાથી અમદાવાદના હવાઈ મુસાફરીના ભાવ વધુ જોવા મળી રહ્યા છે. ટુર ઓપરેટર્સની વાત માનીએ તો સૌથી વધારે કોલકાતાથી લોકો મેચ જોવા આવતા હોવાથી તેમજ કોલકાતાથી અમદાવાદની સીધી કનેક્ટિવિટી ઓછી હોવાના કારણે આ ભાવ વધારો નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ હાલનો આ ભાવ વધારો જેમ મેચ નજીક આવશે તેમ તેમાં પણ વધારો થતો જશે તેઓ પણ એક અંદાજ લગાવાઇ રહ્યો છે.
14 ઓક્ટોબરનો હવાઈ મુસાફરીનો ભાવ
- સામાન્ય રીતે દિલ્હી-અમદાવાદ ફલાઇટની ટિકિટ 4 હજાર રુપિયા હોય છે પણ મેચ સમયે ટિકિટના ભાવ 10 હજાર રુપિયા સુધી પહોંચ્યા છે. તો રિટર્નના અલગ 10 હજાર રુપિયા ભાવ ચાલી રહ્યા છે.
- સામાન્ય રીતે મુંબઇ-અમદાવાદ ફલાઇટની ટિકિટ 3 હજાર રુપિયા હોય છે, જો કે મેચ સમયે તેનો ભાવ 12 હજાર રુપિયા છે. રિટર્નના અલગ 12 હજાર રુપિયા ભાવ છે.
- સામાન્ય રીતે કોલકાતા-અમદાવાદ ફલાઇટની ટિકિટ 7 હજાર રુપિયા હોય છે. જો કે મેચ સમયે તેનો ભાવ 23 હજાર રુપિયા છે. રિટર્નના અલગ 12 હજાર રુપિયા ભાવ છે.
- સામાન્ય રીતે બેંગાલુરુ-અમદાવાદ ફલાઇટની ટિકિટ 4 હજાર હોય છે. પણ મેચ સમયે ટિકિટના ભાવ 7 હજાર રુપિયા છે. તો રિટર્નના અલગ 10 હજાર રુપિયા છે.
આમ એકંદરે જોવા જઈએ તો હવાઈ મુસાફરીમાં 300 ટકાથી પણ વધારે ભાવ જોવા મળી રહ્યો છે. અને તે માત્ર જ 14 ઓક્ટોબર નહીં પરંતુ 12 ઓક્ટોબરથી જ તેની અસર જોવા મળી રહી છે જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. મુંબઇથી અમદાવાદમાં લગભગ 300થી વધારે ભાવ વધારો અને દિલ્હીથી 200 ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
તો ફ્લાઇટના ભાવમાં વધારો થતા ટ્રેનની મુસાફરીના ભાવમાં પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદની આસપાસના શહેરોમાંથી લોકો પોતાની વાહન સાથે મેચ જોવા માટે આવતા હોય છે. તો ભૂતકાળની મેચોમાં ક્રિકેટ રસિકો ચાર્ટર્ડ પ્લેન મારફતે મેચ જોવા આવ્યા હતા. ત્યારે આ વખતે પણ ચાર્ટર્ડ પ્લેન નો ઉપયોગ થતો જોવા મળે તો નવાઈ નહીં. ભારત પાકિસ્તાનની મેચ જ્યારે વર્લ્ડના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદના આંગણે રમાઈ રહી છે તેને જોતા ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકનો લાભ હોટલ ધારકો, એરલાઇન્સ સહિતના લોકો લઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો