અમદાવાદમાં ઈવેન્ટ મેનેજર યુવતીની ઓછી હાઈટ બાબતે કરાઈ મશ્કરી, પહોંચાડાઈ શારીરિક ઈજા- વાંચો
અમદાવાદમાં રહેતી એક 25 વર્ષની યુવતીએ એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના યુવતી અને તેના મિત્રો એક પાણીપુરીની લારીએ પાણી પુરી ખાતા હતા તે દરમિયાન બની હતી. યુવતીના ગૃપના જ એક કોમન ફ્રેન્ડ યુવકે હાઈટ બાબતે ભદ્દી મજાક કરતા યુવતીએ તેને અટકાવ્યો પરંતુ તે અટક્યો નહીં અને મારામારી પર ઉતરી આવ્યો હતો.

અમદાવાદમાં શ્યામલ ક્રોસ રોડ વિસ્તારમાં રહેતી એક 25 વર્ષિય યુવતીએ રવિવારે તેના ગૃપના એક કોમન ફ્રેન્ડ વિરુદ્ધ નાની હાઈટ બાબતે મશ્કરી કરવા અને માર મારવા અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરતી આ યુવતી અને તેના મિત્રો જ્યારે શનિવારની બપોરે પાણીપુરી ખાઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે તેમનો એક કોમન મિત્ર પણ જોડાયો હતો. આ દરમિયાન આ મિત્રએ યુવતીની નાની હાઈટ બાબતે ટિપ્પણી કરવાનુ શરૂ કર્યુ હતુ. આ યુવકે યુવતીને કહ્યુ કે જો તારા મમ્મી પપ્પાએ બાળપણમાં તારા હાથ અને પગ ખેંચ્યા હોત તો આજે તુ લાંબી હોત. આ દરમિયાન યુવતીએ તેને અટકાવ્યો અને સ્પષ્ટ જણાવ્યુ કે તારે મારી હાઈટ કે શરીરને લઈને કોઈપણ ટિપ્પણી કરવાની જરૂર નથી. પરંતુ યુવક અટક્યો નહીં અને તેણે કોમેન્ટ કરવાનું ચાલુ રાખ્યુ.
આ દરમિયાન તેના અન્ય મિત્રો પણ તેની મજાક ઉડાવતા હતા અને તેના પર હસતા હતા. જેના કારણે તેણે એ કોમન ફ્રેન્ડ સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. જે બાદ તમામ લોકો છૂટા પડી રહ્યા હતા ત્યારે ફરિયાદી યુવતીએ આરોપી યુવકને કહ્યુ કે આજ પછી ક્યારેય મને ન બોલાવતો અને તારુ મોં પણ ન બતાવતો. આ સાંભળી આરોપી યુવકે યુવતીને અપશબ્દો કહ્યા અને માર મારવાની ધમકી આપી. યુવકે કહ્યુ “હું છોકરીઓને મારતો નથી, નહીં તો તને બતાવત.”
જે બાદ યુવતીએ પણ સામો પ્રતિકાર કર્યો અને ડર્યા વિના કહ્યુ “હાથ લગાવીને તો બતાવ”, આ સાંભળી યુવક ભડકી ગયો અને કારમાંથી ઉતરી યુવતીના માથા પર મુક્કા ત્રણવાર મુક્કા માર્યા. આ દરમિયાન તેના મિત્રોએ પણ તેને બચાવવાની કોશિશ કરી. આ ઘટના બાદ યુવતીએ ઘરે જઈને તેના પિતાને વાત કરી, અને પિતાની સલાહ મુજબ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPCની કલમ 74 મુજબ યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમા યુવતીને માર મારવો, છેડતી કરવી, અભદ્ર ટિપ્પણી કરી કોઈ સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડવી સહિતના સહિતના ગુનાઓ સામેલ છે.
જો કે ભારતમાં લોકોના શારીરિક સ્વરૂપ, રૂપ, ત્વચાના રંગ, વજન, શારીરિક બંધારણને લઈને અનેકવાર વ્યંગ્યયાત્મક અથવા અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવે છે. કાળો વર્ણ ધરાવતા લોકોને કાળા કે બ્લેકી, ડાર્કી જેવા શબ્દોથી હેરાન કરવામાં આવે છે.