Ahmedabad: ચાર વર્ષની લિવ ઇન રિલેશનશિપ હત્યામાં પરિણમી, હોટલમાં જ પ્રેમિકાએ કરી પ્રેમીની હત્યા

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીની હોટલમાં હત્યા કરી હોવાની ઘટના બની છે. લિવ ઇન રિલેશનશીપમાં ઝઘડો થતા હોટલમાં પ્રેમીનું દીવાલ પર માથું પછાડીને હત્યા કરી. પોલીસે પ્રેમિકાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Ahmedabad: ચાર વર્ષની લિવ ઇન રિલેશનશિપ હત્યામાં પરિણમી, હોટલમાં જ પ્રેમિકાએ કરી પ્રેમીની હત્યા
| Edited By: | Updated on: Aug 15, 2023 | 6:59 PM

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરી સોસાયટીમાં રહેતા રવિકાન્ત ચૌહાણ નામના 29 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હોટેલ સર્ચ સ્ટોપના રૂમ નંબર 203માંથી રવિકાન્ત ચૌહાણનો મૃતદેહ મળી આવતા હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી હતી.

કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે આવી તપાસ કરતા મૃતક રવિકાન્ત ચૌહાણ પાસે ભારતી શર્મા નામની યુવતી હોટેલમાં રોકાઈ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપી ભારતીની પૂછપરછ કરી હતી. રવિકાન્ત અને ભારતી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બન્ને વચ્ચે ઝઘડો થતા ભારતીએ દીવાલ પર રવિકાન્તનું માથું પછાડતા તેનું મોત નીપજ્યું હતું.

મૃતક રવિકાન્તના 2015માં પ્રેમનગર પાસે રહેતી જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. પરંતુ 2018 માં જ્યોતિની ડિલિવરી વખતે તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મૃતક રવિકાન્ત ચાર વર્ષ પહેલાં ભારતી શર્માના સંપર્કમાં આવ્યો હતો અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા.

ચાર વર્ષના લીવઇન રિલેશન દરમ્યાન એક દીકરીને જન્મ આપ્યો હતો જેની ઉંમર હાલ ત્રણ વર્ષની છે. ઘરે કોઈને ખબર ન પડે તે માટે મૃતક રવિકાન્ત ભારતીને અલગ રાખતો હતો, અને છેલ્લા 6 મહિનાથી મૃતક પણ ઘર છોડીને તેની પાસે રહેવા માટે ગયો હતો. 4 ઓગસ્ટ ના રોજ બંને હોટેલમાં પાર્ટી કરવા ગયા હતા.

રાત્રીના સમયે કોઈ બાબતે બંન્ને વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. જેમાં રવિકાન્તનું દીવાલ સાથે માથુ પછાડયું હતું, અને રવિકાન્ત બેભાન થઈ જતા ભારતી રૂમમાં બેડ પર સુવડાવીને જતી રહી હતી, અને ગંભીર ઇજાના કારણે રવિકાન્તનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી ભારતીની અટકાયત કરીને નારી સંરક્ષણ ગૃહમાં નજર કેદ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ, સાળા-બનેવીની ધરપકડ

જોકે હાલ કૃષ્ણનગર પોલીસે આરોપીની અટકાયત કરી હત્યા પાછળના કારણને લઈને પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના આક્ષેપોને લઈને પણ તપાસ શરૂ કરી છે..