અમદાવાદ: હાટકેશ્વરમાં આવેલ છત્રપતિ શિવાજી બ્રિજ ગાબડાને કારણે છેલ્લા 4 મહિનાથી બંધ, સત્વરે સમારકામની ઉઠી માગ
Ahmedabad: અમદાવાદમાં હાટકેશ્વરમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ પર ગાબડા પડવાથી ઓગષ્ટ મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ હોવાથી આસપાસના રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાય છે. ત્યારે આ બ્રિજનું સમારકામ કરી ફરી શરૂ કરવાની માગ ઉઠી છે.

અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ ઓગષ્ટ મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની વચ્ચોવચ્ચ ગાબડુ પડતા વાહનોની અવરજવર માટે બ્રિજને મહાનગરપાલિકા દ્વારા બંધ તો કરી દેવાયો છે. એટલુ જ નહીં બ્રિજનું કામ નબળુ જણાઈ આવતા તંત્ર દ્વારા બ્રિજની નીચે સપોર્ટ માટે લોખંડના પિલર ટેકારૂપે મુકવામાં આવ્યા છે, જેથી બ્રિજ નીચે પડે નહી. બ્રિજ નીચેથી રોજ હજારો લોકો પસાર થઈ રહ્યા છે. રોજ આ જોખમી બ્રિજ નીચેથી પસાર થતા લોકોમાં પણ ભયનો માહોલ છે.
વર્ષ 2016માં તૈયાર થયેલા બ્રિજ પર 5 વર્ષમાં જ ગાબડા પડી ગયા
સમગ્ર વિગત અનુસાર હાટકેશ્વર વિસ્તારમાં આ બ્રિજ વર્ષ 2016માં બનાવવામાં આવ્યો હતો. જેને છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ નામકરણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ બ્રિજ તૈયાર થયાના પાંચ જ વર્ષમાં તેની આસપાસ કુલ મળીને 5થી6 ગાબડા પડી ગયા છે. જેમા એક જ સ્થળે અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. અગાઉ નવેમ્બર 2021 પછી 2022ના જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં ગાબડા પડવાની ઘટના સામે આવી હતી.
બ્રિજ નીચે ટેકા મુકી સંતોષ માનતુ તંત્ર બ્રિજનું સમારકામ કરે તેવી માગ
ઓગષ્ટ મહિનામાં પડેલા ગાબડાને લઈને તંત્ર દ્વારા 25 ઓગષ્ટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બ્રિજનું કામ 90 લાખના ખર્ચે 40 દિવસમાં પૂર્ણ કરી ફરી બ્રિજને શરૂ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ બેઠકને પણ 100 દિવસથી વધુ સમય વિતી ગયો પરંતુ હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થઈ શક્યુ નથી. માત્ર બ્રિજ નીચે ટેકા મુકીને જ સંતોષ માનતુ તંત્ર બ્રિજ ફરી ક્યારે શરૂ કરશે તેને લઈને પણ લોકોના મનમાં અનેક સવાલ છે. તો બીજી તરફ બ્રિજની નીચે મુકાયેલા ટેકા જોઈને લોકોમાં પણ માહોલ ફેલાયો છે. લોકોને ડર છે કે બ્રિજનું કામ શરૂ થયા પહેલા કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ?
જોખમી બ્રિજ નીચેથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ
આ બ્રિજ નજીકથી હજારો વાહનો પસાર થાય, ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાથી અહીંના સ્થાનિકોને કોઈ દુર્ઘટના થવાની ભીતિ સતાવી રહી છે અને સ્થાનિકો ઝડપી કામગીરી કરવાની માગ કરી રહ્યા છે, તો સાથોસાથ નબળી કામગીરી કરનારા લોકો સામે પગલા લેવાની પણ માગ કરી રહ્યા છે.
સત્વરે બ્રિજ શરૂ થાય તો લોકોને ટ્રાફિકમાંથી મળે મુક્તિ
હાલ તો આ બ્રિજ બંધ થતા વાહનચાલકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. બંધ બ્રિજને કારણે તેની પાસેના રોડ પર વાહનોની અવરજવર વધી છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. આજુબાજુના રસ્તા સાંકડા હોવાછી સવાર સાંજ અહીં ટ્રાફિકજામની સમસ્યા રહે છે જેનાથી સ્થાનિકો ત્રસ્ત છે. હાલ લોકો ઈચ્છી રહ્યા છે કે આ બ્રિજનું કામ જલ્દી પૂર્ણ થાય અને બ્રિજને ફરી શરૂ કરવામાં આવે.