Ahmedabad: સનાથલ બ્રિજ પર ગાબડા પડવા મુદ્દે ઔડાએ બ્રિજ બનાવનાર કંપનીને ફટકારી નોટિસ, SVNIT કરશે બ્રીજની ગુણવત્તાની ચકાસણી
Ahmedabad: અમદાવાદના સનાથલ બ્રિજ પર લોકાર્પણના 4 જ મહિનામાં કાંકરા ખરવા લાગ્યા છે. આ બ્રિજના ધોવાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. tv9 દ્વારા આ મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવવામાં આવતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે અને બ્રિજ બનાવનાર કંપનીને નોટિસ ફટકારી છે.
અમદાવાદના એસ પી રિંગ રોડ પર આવેલા સનાથલ ચાર રસ્તા પર 97 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવાયો. જે બ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા પડવાની શરૂઆત થઇ ચુકી છે. જે બ્રિજનું માર્ચ મહિના લોકાર્પણ કરવામાં આવ્યું. જેને હજુ માત્ર ચાર મહિનાનો સમય થયો ત્યાં બ્રિજ પર એક બે ત્રણ નહી પરંતુ 10 થી વધુ ગાબડાઓ પડ્યા છે. જે સનાથલ બ્રિજના ધોવાણનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ પણ થયો હતો. જે બાદ અહેવાલ મીડિયામાં આવતા auda દ્વારા બ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું.
વધુ એક બ્રિજ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા
રાજ્યમાં મોરબી પુલ દુર્ઘટના અને અમદાવાદ ના હાટકેશ્વર બ્રિજ તેમજ મમદપુરા બ્રિજના વિવાદ સમયોનથી, ત્યા વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો. અમદાવાદના સનાથલ ચાર રસ્તા પર બનેલા ઓવર બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો.
જેમાં બ્રિજ ઉપર રસ્તા પર ધોવાણ થતા રસ્તા પર ગાબડા પડ્યા. બ્રિજ તૈયાર થયાના હજુ માત્ર ચાર મહિના થયા છે. જે બ્રિજને 10 માર્ચ 2023 ના રોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યો હતો. જે બ્રિજ પર દરરોજના હજારો ભારે વાહન પસાર થાય છે. પરંતુ બ્રિજ પર એક બે ત્રણ નહી પણ અનેક ગાબડા પડતા ત્યાં તંત્ર દ્વારા પેચ વર્કની ફરજ પડી. 97 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ વધુ એક બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પોલ ખૂલી છે.
બ્રિજ નિર્માણ કરનાર રચના કંપનીને ફટકારાઈ નોટિસ
સમગ્ર ઘટના અંગે tv 9 એ ઔડાના સીઇઓ ડી.પી. દેસાઇ સાથે વાતચીત કરતા તેમાં તેઓએ જણાવ્યુ હતું કે ઘટનાને પગલે બ્રિજ નિર્માણ કરનાર રચના કંપનીને નોટિસ આપવામાં આવી છે. તેમજ બ્રિજના સુપરવિઝનની જવાબદારી પીએમસી કરનાર કસાડા કન્સલટન્ટ પણ નોટિસ આપી જવાબ માગ્યો છે.
આ ઉપરાત વધુ તપાસ માટે એસ.વી.એન.આઇ.ટી. ને સોંપી છે. તેઓના રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. જે રિપોર્ટમાં બ્રિજ પર પાણીનો નિકાલ નહિ થતો હોવાથી બ્રિજ પર પાણી ભરાઈ રહેતા ગાબડા પડયાનો ઉલ્લેખ છે. જે સમસ્યા દૂર કરવા જણાવાયું છે.
બ્રિજ પર પાણીનો નિકાલ ન થવાથી પોટ હોલ્સ પડવાની જાણકારી
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, કે સરદાર પટેલ રીંગ રોડ પર સનાથલ ચાર રસ્તા પર નવા બ્રિજમાં પ્રથમ ચોમાસામાં ડામર સપાટી પર પોટ હોલ્સ(પેચ) પડવાના સમાચાર મીડિયામાં આવ્યા છે, બ્રીજ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થવાથી, પોટ હોલ્સ(પેચ) પડતા સદર કામના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી તાત્કાલિક પેચની કામગીરી પૂર્ણ કરાવેલ તેમજ સદર બ્રીજના કંપની અને સંલગ્ન કન્સલ્ટન્ટ સામે કાર્યવાહી કરવા નોટીસ પાઠવેલ છે. વધુમાં, સદર બ્રીજ પર પોટ હોલ્સ પડવા તથા આનુસંગિક પ્રશ્નો સંદર્ભે સદર વિષયના તજજ્ઞ અને અનુભવી એવા હાઈવે અને ટ્રાન્સપોર્ટેશન એન્જીન્યરીંગ વિભાગ, એસ.વી.એન.આઈ.ટી ને તપાસ સોંપવામાં આવેલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો