Ahmedabad: આજીવન કેદનો આ કેદી દરેક ગણેશ મહોત્સવમાં જેલમાંથી બહાર આવે છે, કારણ જાણીને તમે પણ કહી ઉઠશો, ‘જય ગણેશ’
ગણેશ ભાટી ગુલબાઈ ટેકરાના રહેવાસી છે અને મૂર્તિકાર છે. જેઓ સાબરમતી જેલમાં (Sabarmati Jail) આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

ગણેશ ચતુર્થીને (Ganesh Chaturthi 2022) ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જે ગણેશ પર્વ પર લોકો ગણેશજીની પૂજા અર્ચના કરી તેઓને રિઝવવાના પ્રયાસ કરતા હોય છે. જેથી ગણેશજી તેઓના દુઃખ દૂર કરે. ત્યારે આ પર્વ શહેરના એક નાગરિક અને જેલમાં આજીવન કેદની (life imprisonment) સજા ભોગવી રહેલા માટે વિઘ્ન હરનારો બન્યો છે. કારણકે અમદાવાદની સાબરમતી જેલમાં (Sabarmati Jail) આજીવન કેદની સજા ભોગવી રહેલા આ વ્યક્તિને વિધ્નહર્તાના કારણે જ દર વર્ષે જેલ બહાર આવવા મળે છે.
કેદીને મળી ગણેશ પર્વ પર પેરોલ
ગણેશ ભગવાન વિઘ્નહર્તા કહેવાય છે અને ખરેખર તે એક કેદી માટે વિધ્નહર્તા સાબિત પણ થયા છે. ગણેશ ભાટી ગુલબાઈ ટેકરાના રહેવાસી છે અને મૂર્તિકાર છે. જેઓ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જેથી તેમના પરિવારની આજીવિકા પર અસર સર્જાઈ છે. જેના કારણે તેમના પરિવારજનો ચિંતાતુર રહેતા હોય છે. પણ તેમની કલાએ તેમનો સાથ આપ્યો અને ગણેશજીએ તેમના દુઃખ હર્યા છે.
ગણેશ ભાટી મૂર્તિકાર છે. જેથી તેમને માટીના ગણેશ બનાવવામાં મહારત હાંસલ થયેલી છે. જેથી દર વર્ષે ગણેશ પર્વ આવે ત્યારે તેઓ પેરોલ માગે છે અને તંત્ર દ્વારા તેમની અને તેમના પરિવારની પરિસ્થિતિ જોઈને 3 મહિનાના પેરોલ પર તેમને મુક્ત કરવામાં આવે છે. જેથી તેઓ બહાર આવી પોતાની કલાથી કમાણી કરી પરિવારનું આખા વર્ષનું ગુજરાન ચલાવી આપે. કેમ કે ગણેશ પર્વ તેમનું એક માત્ર આવકનું માધ્યમ છે. આ વર્ષે પણ ગણેશ ભાટી પેરોલ માગી મૂર્તિ બનાવવા જેલ બહાર આવ્યા છે અને ગુલબાઈ ટેકરા પર સ્ટોલ રાખી માટીની મૂર્તિ બનાવી કમાણી કરી રહ્યા છે.
ગણેશ ભાટી ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની, એક દીકરી અને ચાર દીકરા છે. જેમાં ચાર દીકરા પરણિત છે અને અલગ રહે છે. જ્યારે પત્ની અને દીકરી સાથે રહે છે. ગણેશ ભાટીના પત્નીને એકલા હાથે દીકરીને ભણાવવા સાથે ઘર ચલાવવું મુશ્કેલ બને છે. જેથી દર વર્ષે સમસ્યા દૂર કરવા ગણેશ ભાટી ગણેશ પર્વ પર પેરોલ માગી બહાર આવે છે અને પરિવારનું ગુજરાન ચલાવી આપે છે.
હત્યાના ગુનામાં ભોગવી રહ્યા છે જેલવાસ
2002માં ગણેશ ભાટીને તેમના જ વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ સાથે કોઇ બાબતમાં ઝપાઝપી અને બાદમાં મારામારી થઇ હતી. આ મારામારીમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મોત થયુ હતુ. આ કેસમાં ગણેશ ભાટી અને તેમના પરિવારજનો સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને ગણેશ ભાટીની ધરપકડ થઈ હતી. આ ઘટનામાં ગણેશ ભાટીને આજીવન કેદની સજા થઈ. ઘટનાને 14 વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને હજુ પણ તેઓ જેલમાં બંધ છે.
હાલ તો ગણેશ ભાટી પોતાના જીવનમાં સંઘર્ષ કરી પરિવારનું પણ ધ્યાન રાખી રહ્યા છે. જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે. જો કે ગણેશ ભાટીના પરિવારજનો હવે તેમને જેલમાંથી હંમેશા માટે મુક્તિ મળે તેવી તંત્રને અપીલ કરી રહ્યા છે. જેથી તેમનો અને તેમના પરિવારનો જીવન નિર્વાહ સામાન્ય બને.