Ahmedabad: ઇડીઆઇઆઇના રાષ્ટ્રીય સમર કેમ્પમાં 11 રાજ્યના 142 બાળકો અને યુવાનો સહભાગી બન્યા
શિબિરની ખાસ વિશેષતા એ છે કે યુવાનોને આપવામાં આવતી યોગ્યતાઓ ઉપરાંત નિષ્ણાતો દ્વારા યુવાનોના અભિગમ, જુસ્સા અને સહજ લક્ષણોના આધારે કારકિર્દી પરામર્શન પણ પૂરું પાડવામાં આવે છે. યુવાનો માટેનો આવી જ 44મી શિબિર આગામી 3જી જૂન, 2023થી આયોજિત કરવામાં આવશે.
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII)અમદાવાદ (Ahmedabad) દ્વારા આયોજિત 40માં આંત્રપ્રિન્યોરલ સ્ટીમ્યુલેશનના કેમ્પ અને આંત્રપ્રિન્યોરલ એડવેન્ચર્સના 43મા કેમ્પમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઓડિશાના 142 બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો. આ શિબિર વિદ્યાર્થીઓ અને યુવાનોને વર્ગખંડ અને પ્રાયોગિક તાલીમના મિશ્રણ દ્વારા સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ટીમ ભાવના, અનુકૂલન ક્ષમતા અને નેતૃત્વ જેવી જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવાની તક આપે છે.
સમર કેમ્પમાં 12 થી 16 વર્ષની વયજૂથના 79 બાળકોએ ભાગ લીધો
સંસ્થાના પરિસરમાં આયોજિત 40 મા રાષ્ટ્રીય સમર કેમ્પમાં 12 થી 16 વર્ષની વયજૂથના 79 બાળકોએ ભાગ લીધો હતો. પાંચ દિવસીય રહેણાંક શિબિરમાં મનોકસરત, પ્રેરણાત્મક કવાયતો, કોયડાઓ, મૂલ્ય શિક્ષણ, ઉદ્યોગ મુલાકાતો, સાફલ્ય ગાથાઓ દ્વારા શીખવું અને વિચારોની રજૂઆત જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકોને જીવનની ગતિશીલતા અને કટોકટી તેમજ નિષ્ફળતાઓનો સામનો કરવા માટેના કૌશલ્યો વિકસાવવાના મહત્વને સમજવામાં સહયોગી થવા માટે શિબિર અંતર્ગત અગ્રણી ઉદ્યોગસાહસિકો અને સિદ્ધિહસ્ત વ્યક્તિ વિશેષો સાથેની વાતચીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોની ક્ષમતાઓ અને નબળાઈઓને સમજવા માટે સાયકોમેટ્રિક ટેસ્ટનું આયોજન
બાળકના વ્યક્તિગત વિકાસ માટે શિબિરના અંતે માતાપિતા સાથે ચર્ચા કરવા માટે વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. બાળકો સાથે કામ કરતા સંસ્થાના કાર્યકરો બાળકોની ક્ષમતાઓ અને નબળાઈઓને સમજવા માટે સાયકોમેટ્રિક ટેસ્ટનું આયોજન કરે છે અને તેના પરિણામોના આધારે બાળકો અંગે વાલીઓને સૂચિત કરવામાં આવે છે.
પાંચ દિવસીય 41 મી શિબિર 27મી મે, 2023ના રોજ શરૂ થશે
બાળકો અને યુવાનોના બહોળા પ્રતિસાદના કારણે EDII આ દરેક શિબિરમાં બે બેચનું આયોજન કરે છે. આવી જ રીતે આગામી સમયમાં બાળકો માટેનો આંત્રપ્રિન્યોરિયલ સ્ટીમ્યુલેશન વિષય પર પાંચ દિવસીય 41 મી શિબિર 27મી મે, 2023ના રોજ શરૂ થશે.
44મી શિબિર આગામી 3જી જૂન, 2023થી આયોજિત કરવામાં આવશે
યુવાનો માટે ઉદ્યમી સાહસોના રાષ્ટ્રીય શિબિરોનું પણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્તમાનમાં 16 થી 22 વર્ષની વયજૂથના 63 યુવાનો સાથે ઉદ્યમી સાહસો પર 43મી શિબિર ચાલી રહી છે. શિબિરની ખાસ વિશેષતા એ છે કે યુવાનોને આપવામાં આવતી યોગ્યતાઓ ઉપરાંત નિષ્ણાતો દ્વારા યુવાનોના અભિગમ, જુસ્સા અને સહજ લક્ષણોના આધારે કારકિર્દી પરામર્શન પણ પૂરું પાડવામાં આવે છે. યુવાનો માટેનો આવી જ 44મી શિબિર આગામી 3જી જૂન, 2023થી આયોજિત કરવામાં આવશે.
બાળકો તેમના પરિપ્રેક્ષ્ય અને જીવન પ્રત્યેના અભિગમમાં મોટા પરિવર્તનનો અનુભવ કરે છે
રાષ્ટ્રીય શિબિર વિશે બોલતાં EDIIના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, “બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને એવાં વાતાવરણની અનિવાર્યતા હોય છે જેમાં તેઓ તેમના વિચારો, ઈરાદાઓ અને સર્જનાત્મકતા સાથે પ્રયોગ કરવાની તક મળે. છેલ્લા ત્રણ દાયકાઓથી EDII બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રીય સમર કેમ્પો દ્વારા તેમનામાં સફળતાની દિશાનું બીજારોપણ કરે છે. બાળકો તેમના પરિપ્રેક્ષ્ય અને જીવન પ્રત્યેના અભિગમમાં મોટા પરિવર્તનનો અનુભવ કરે છે.”
EDII એ અત્યાર સુધીમાં બાળકો અને યુવાનો માટે આયોજિત રાષ્ટ્રીય શિબિરો દ્વારા દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 4431થી વધુ બાળકો અને યુવાનોને તૈયાર કર્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો