સ્ટેમ્પ ડ્યુટી બાદ વધુ એક વખત ક્રેડાઈ અમદાવાદે રાજ્ય સરકારને પત્ર લખી કરી આ માગ
રાજ્યના સર્વાંગી વિકાસને વેગ મળે તે હેતુથી રેરા એક્ટમાં કરેલ જોગવાઈ મુજબ ગુજ-રેરા ઓથોરીટીના ચેરમેન તથા મેમ્બર સેક્રેટરીની ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાકીદે અધિકારીઓની નિયુક્તિ કરવા અથવા રેરા ઓથોરીટીની તમામ કામગીરી કરવાની સત્તા સાથે મેમ્બર સેક્રેટરીને એક વર્ષનું એકટેન્શન આપવામાં આવે તેવી સરકારને સંસ્થાગત માગ કરાઇ
રીયલ એસ્ટેટ સેક્ટરમાં એકસુત્રતા લાવવા અને પ્રોપર્ટી બાયર્સ, ઇન્વેસ્ટર, એલોટી અને પ્રમોટર સાથે ઉદ્ભવતા પ્રશ્નો અને તકરારોને દુર કરવા કેન્દ્ર સરકારે રેરા એકટ અમલમાં મુકી તમામ રાજયોમાં રેરા ઓથોરીટીની રચના કરી જે અન્વયે રાજ્યમાં ગુજરેરા પ્રોજેકટ નોંધણી પ્રક્રિયા કરી રહેલ રાજ્યની એકમાત્ર ઓથોરીટી છે જે રાજ્યના સર્વાંગી વિકાસ તેમજ દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ખુબ જ મહત્વ ધરાવતો વિભાગ છે.
રેરા એક્ટ પ્રમાણે ગુજરેરા ઓથોરીટીમાં કાયદાકીય કામગીરી અંગે ચેરમેન અને મેમ્બર સેક્રેટરીની નિમણુક આપવાની જોગવાઈ છે. તે મુજબ નિયુક્ત ગુજ-રેરા ચેરમેન ગત નવેમ્બર માસમાં નિવૃત થતા હોવાથી રાજ્યની વિકાસની ગતિ અવરોધાય નહી અને ડેવલપર્સની વ્યવસાયિક કામગીરીમાં વિક્ષેપ ના પડે તેમજ નાગરિકોને સમયસર યુનિટ આપી શકાય તે હેતુસર ગુજ-રેરાના ચેરમેન નિયુકત કરવા અને મેમ્બર સેક્રેટરીઓની ખાલી જગ્યાઓ ઉપર નવી નિયુક્તિ કરવા સંસ્થાગત અગાઉ રજુઆતો કરી હતી.
જેથી વચગાળાના સમય માટે મેમ્બર સેક્રેટરી તરીકે પી. જે. પટેલને નિયુક્તિ આપીને પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન, ઓલ્ટરેશન, એક્સ્ટેન્શન વિગેરેને લગતી કામગીરી માટેની સત્તાઓ આપી હતી. જેઓ પણ આ માસમાં નિવૃત્ત થતા હોવાથી અને રેરા ચેરમેનના મહત્વના હોદ્દા ઉપર કોઈ નિયુક્તિ ના હોવાથી કાયદાકીય સુધારા કરવા, પ્રમોટરના પ્રોજેક્ટને લગતી રજુઆતો કરવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવા, બુકિંગ કરેલ હોય તેવા યુનિટના સભ્યોના પ્રશ્નોનો નિકાલ લાવવા વિગેરે કામગીરી થતી નથી અને હાલમાં રુટીન કામગીરી જ થાય છે તેથી કચેરીના કામનું ભારણ વધેલ છે અને સમયસર કામ થતું નથી તેમજ સંસ્થાની રજુઆતોનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.
હવે મેમ્બર સેક્રેટરી પણ રીટાયર થતા તે કામગીરી પણ ખોરવાઈ જશે. જેથી ડેવલપર્સને હેરાનગતિ ઉભી થવાની સાથેસાથે રાજ્યમાં બાંધકામ વ્યવસાયના વિકાસની ગતિ મંદ પડતા રીયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલ 250 થી વધુ નાના મોટા ઔદ્યોગિક એકમોને પણ તેની ગંભીર અસરો થવાથી લાખો લોકોની રોજગારી અને આવાસ મેળવનારાઓની સમસ્યામાં અનેક ઘણો વધારો થાય તેવી ભીતિ છે.
આ પણ વાંચો : ખેરગામના આરોપી વિરુદ્ધ કાર્યવાહી અસામાજીક તત્વો માટે ચેતવણી સમાન : હર્ષ સંઘવી, જુઓ Video
આથી રાજ્યના સર્વાંગી વિકાસને વેગ મળે તે હેતુથી રેરા એક્ટમાં કરેલ જોગવાઈ મુજબ ગુજ-રેરા ઓથોરીટીના ચેરમેન તથા મેમ્બર સેક્રેટરીની ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાકીદે અધિકારીઓની નિયુક્તિ કરવા અથવા રેરા ઓથોરીટીની તમામ કામગીરી કરવાની સત્તા સાથે મેમ્બર સેક્રેટરીને એક વર્ષનું એકટેન્શન આપવામાં આવે તેવી સરકારને સંસ્થાગત માંગ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો