પાટણમાં ધારપુર GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીના મોત થતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ કેટલા સલામત છે અન્ટી રેગિંગ કમિટીના કામથી સંતુષ્ટ છે કે કેમ તે જાણવા tv9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાયુ હતુ.
મેડિકલ કોલેજમાં છાશવારે બનતી રેગિંગની ઘટનાઓને લઈને બી.જે. મેડિકલ કોલેજના ડીન હંસા ગોસ્વામીએ જણાવ્યુ કે કોલેજમાં હાલ 28 લોકોની એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે. આ કમિટી દ્વારા 2 મહિને એકવાર લાઈબ્રેરી, હોસ્ટેલ, લેબ સહિતના પોઈન્ટ પર સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવે છે. રેગિંગની ફરિયાદ મળ્યા બાદ કમિટી દ્વારા 24 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એડમિશન સમયે જ એન્ટી રેગિંગના ફોર્મ ભરાવવામાં આવે છે.
પાટણની મેડિકલ કોલેજમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીનું રેગિંગ બાદ મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઘટના અંગે બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે પાટણની ઘટના ઘણી જ દુખદ છે. જો કે વિદ્યાર્થીઓએ છાશવારે ઈન્ટ્રોના નામે સિનિયર દ્વારા થતી રેગિંગની ઘટનાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે એન્ટી રેગિંગ કમિટી હોવા છતા અનેક કોલેજમાં આ એક પરંપરાની જેમ ચાલ્યુ આવે છે અને સિનિયર વિદ્યાર્થીઓ આ પ્રકારે જુનિયરને હેરેસ કરે છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે હજુ પણ મેડિકલ કોલેજીસમાં સિનિયર જુનિયરનું કલ્ચર મોટા પ્રમાણમાં જોવા મળે છે જે સદંતર રીતે બંધ થવુ જોઈએ.
મેડિકલ કોલેજમાં ઈન્ટ્રો લેવાના નામે સિનિયર દ્વારા જુનિયર્સનું ફિઝિકલ લેવલે રેગિંગ થતુ હોય છે. આના માટે સરકારે અત્યંત કડક હાથે કામ લેવાની જરૂર છે. રેગિંગને લઈને માર્ગદર્શિકા અને સ્કવોડ તો બનાવી દીધી પણ ક્યાંકને ક્યાંક તેનુ જોઈએ તેવુ ઈમ્પ્લીમેન્ટેશન નથી થઈ રહ્યુ અને તેના જ કારણે સિનિયર વિદ્યાર્થીઓમાં એન્ટી રેગીંગ કમિટીને લઈને કોઈ ડર જોવા મળતો નથી. વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે એન્ટી રેગિંગ કમિટી જેવી હોવી જોઈએ એટલી એક્ટિવ નથી. મેન્ટર-મેન્ટી જેવા પ્રોગ્રામનું વધુ ઈમ્પ્લીમેન્ટેશન થતુ નથી, જે કરવાની જરૂર છે. ઉપર લેવલેથી ધરમૂળથી માનસિક્તામાં બદલાવ જરૂરી છે અને રેગિંગ જેવી વસ્તુને તમામ સિનિયરોએ જે પરંપરા બનાવી દીધી છે. તે પરંપરાને જડમૂળમાંથી તોડવામાં આવે તો જ આવી ઘટનાઓ પર રોક લાગશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:30 pm, Mon, 18 November 24