હિંમતનગરમાં એક બાળક શરીરની બહાર હૃદય સાથે જન્મ્યું, જાણો 10 લાખે 5 બાળકોમાં જોવા મળતી આ બીમારી વિશે

Jignesh Patel

|

Updated on: Oct 03, 2021 | 5:24 PM

હિંમતનગરમાં જન્મેલા આ બાળકનું હૃદય સંપૂર્ણપણે બહારની બાજુએ ઉપસી આવ્યું છે. જે કારણોસર આ ઘટના અત્યંત જોખમી અને જટીલ બની રહી છે.

હિંમતનગરમાં એક બાળક શરીરની બહાર હૃદય  સાથે જન્મ્યું, જાણો 10 લાખે 5 બાળકોમાં જોવા મળતી આ બીમારી વિશે
a child was born with a heart outside the body in Himmatnagar

Follow us on

AHMEDABAD : સોશિયલ મીડિયામાં એક વીડિયો અને ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળકનું હૃદય બહાર તરફ ઉપસી આવ્યું હોય અને સતત ઘબકતુ જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના શું છે આવો જાણીએ.

અધૂરા માસે પ્રસૂતિના કારણે 1.6 કિ.ગ્રા વજન સાથે હિંમતનગરની એક હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો. અન્ય નવજાત બાળકોની સરખામણીમાં આ નવજાત બાળકમાં નવાઇની વાત એ હતી કે તેના હ્યદયનો બહારની તરફ વિકાસ થયો હતો.જે જોઇને હિંમતનગરના તબીબો પણ આશ્રર્યચકિત થઇ ગયા. મેડિકલ જગતમાં આને એક્ટોપીયા કોર્ડિસ તરીકે ઓળખવામાં આવે છે. 10 લાખે 5 થી 8 બાળકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જે અત્યંત ગંભીર બિમારી હોવાથી બાળકને અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્દયરોગની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું.

યુ.એન.મહેતા હોસ્પિટલના બાળહ્યદયરોગ તબીબ ડૉ. ભાવિક ચાંપાનેરી વધુ વિગતો આપતા જણાવે છે કે, એક્ટોપિયા કોર્ડિસ જૂજ જોવા મળતી બિમારી છે. જેમાં બે પ્રકારના કિસ્સા સામાન્યપણે જોવા મળે છે. બાળકનું હૃદય સંપૂર્ણપણે બહારની બાજુએ ઉપસી આવ્યું હોય અને સતત ધબકતુ હોય જ્યારે અન્ય પ્રકારના કિસ્સામાં હૃદયનો અમૂક અંશ જ બહારની બાજુએ હોય છે.

હિંમતનગરમાં જન્મેલા આ બાળકનું હૃદય સંપૂર્ણપણે બહારની બાજુએ ઉપસી આવ્યું છે. જે કારણોસર આ ઘટના અત્યંત જોખમી અને જટીલ બની રહી છે. આવા પ્રકારના કિસ્સામાં છાતીના ભાગમાં હ્યદયને બેસાડવાની જગ્યા જ ન રહેતી હોવાથી સર્જરી અતિજટિલ બની રહે છે.

આ પ્રકારની સર્જરી વખતે હવે બહારથી ચામડીનું અન્ય પડ ઉભુ કરીને બાળકનું હૃદય તેમાં બેસાડવું પડે. સમય જતા બાળકના શરીરનો વિકાસ થાય ત્યારે હ્યદયને મૂળ જગ્યાએ બેસાડવા માટે પણ જગ્યા મળી રહે ત્યારે બીજા તબક્કામાં તેની સર્જરી કરીને તેને મૂળ સ્થાને બેસાડી શકાય. જે માટે ઓછામાં ઓછા 3 થી 4 વર્ષની રાહ જોવી પડે.

એક્ટોપીયા કોર્ડીસની વાત કરીએ તો 10 લાખે 5 થી 8 બાળકોમાં જોવા મળતી આ પ્રકારની બિમારીમાં 90 ટકા બાળકોનું ગર્ભમાં જ મૃત્યુ થઇ જતું હોય છે. જ્યારે અન્ય 10 ટકા બાળકો જન્મબાદ 7 થી 10 દિવસમાં મૃત્યુ થવાના કિસ્સા જોવા મળ્યા છે. આ પ્રકારના બાળકો બચી જવાના કિસ્સા ખૂબ જ જૂજ છે.

એક્ટોપિયા કોર્ડિસ એટલે કે હ્યદય બહાર હોવું તે પ્રકારની બિમારી ન થાય, આવી સમસ્યા ન સર્જાય તે માટે સર્ગભા બહેનોએ બાળક ગર્ભમાં હોય ત્યારે જ સમયાંતરે સોનોગ્રાફી કરાવીને બાળકના વિવિધ અંગોના વિકાસ અર્થે તપાસ કરાવવી જોઇએ. સ્ત્રી જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે તે અન્ય કોઇ પ્રકારના વાયરસથી સંક્રમિત ન થાય, તેને કોઇપણ પ્રકારના વાયરસનો ચેપ ન લાગે તેની પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે. સ્ત્રી સર્ગભાવસ્થા દરમિયાન અન્ય કોઇપણ પ્રકારની દવાઓનું સેવન કરતી હોય તો તબીબી સલાહ પ્રમાણે તેને આગળ ચાલુ રાખવું જોઇએ. ઘણી વખત દવાઓની આડઅસર હ્યદય પર જોવા મળતી હોય છે.

તબીબ કહે છે કે, આ પ્રકારનો કિસ્સો તબીબી જગત માટે ક્યારેય ગૌરવ સમાન ઘટના ન હોઇ શકે. જો સગર્ભાવસ્થા દરમિયાન જ પૂરતી તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના કિસ્સા સર્જાતા રોકી શકાય છે. યુ.એન.મહેતા હૃદયરોગની હોસ્પિટલમાં સારવાર હેઠળ આ બાળકની ટૂંક સમયમાં સર્જરી હાથ ધરવામાં આવશે.સામાન્ય પણે આવા પ્રકારની સર્જરી અંદાજીત 8 થી 10 લાખના ખર્ચે થતી હોય છે. પરંતુ યુ.એન. મહેતા હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ(RBSK) અંતર્ગત સમગ્ર સર્જરી નિ:શુલ્ક કરવામાં આવશે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati