પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)ના 3 વર્ષ પૂર્ણ, અમદાવાદના 16,246 દર્દીઓએ નિ:શુલ્ક સારવાર મેળવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં 23મી સપ્ટેમ્બર 2018 ના રોજ જનહિતલક્ષી આયુષ્યમાન ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જેને આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)ના 3 વર્ષ પૂર્ણ, અમદાવાદના 16,246 દર્દીઓએ નિ:શુલ્ક સારવાર મેળવી
3 years of Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) completed, 16,246 patients from Ahmedabad get free treatment

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના રહેવાસી રીયાઝ ખાન પઠાણ મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. પરિવારમાં પાંચ બાળકોની જવાબદારી તેમના શિરે છે. લાંબા સમયથી કમરમાં દુખાવો રહેતા તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહેતી હતી.ઇન્દોર ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ગયા. ત્યાના તબીબોએ સર્જરીની તો ખાતરી આપી પરંતુ તે સંપૂર્ણપણે સફળ થશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ મૂકી દીધો !!

વળી આ સર્જરી માટે 3 થી 4 લાખનો ખર્ચ થશે તેમ પણ કહેવામાં આવ્યું. રીયાઝ પઠાણ માટે આટલી માતબર રકમ એકઠી કરવી અસંભવ હતુ. જેથી તેઓએ પીડા સાથે જ જીવવાનું નક્કી કર્યું. લાંબા સમયથી પોતાના કમરના દુખાવાની તકલીફને લઇને ચિંતીત રહેતા રીયાઝને સગા-વ્હાલાઓ તરફથી અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આ પ્રકારની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું. રીયાઝભાઇને આશાની કિરણ જાગી અને વિના વિલંબે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા.

આયુષ્યમાન કાર્ડ ના હોત તો હું અપંગ થઇ જાત : લાભાર્થી રીયાઝ પઠાણ

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમના વિવિધ રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં કમરના L-4 અને L-5 મણકામાં તકલીફ હોવાનું નિદાન થયું. જેના કારણે જ તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહી હતી.જેથી સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ સર્જરી હાથ ધરી. લગભગ ચાર કલાક ચાલેલી સર્જરીના અંતે રીયાઝભાઇની સર્જરીનો અને તેની સાથે લાંબા સમયની પીડાનો પણ અંત આવતા તેઓ પીડામુક્ત બન્યા.

રીયાઝ ભાઇ સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરતા કહે છે કે,આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું અપંગ બની જાત. આયુષ્માન કાર્ડ અંતર્ગત સમગ્ર સારવાર રીયાઝને નિ:શુલ્ક મળતા તેમની ખુશીનો પાર ન રહ્યો.તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વ્યવસ્થાપન અને સેવાઓની પણ સરાહના કરી હતી.મધ્યપ્રદેશની હોસ્પિટલે ઓપરેશન સફળ થવાની ફક્ત 10% ગેરંટી આપી હતી.જેથી મારી ચિંતામાં વધારો થયો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની કુશળતા સાબિત કરીને મારી સ્પાઇનની સફળ સર્જરી કરી મને સંપૂર્ણપણે પીડામુકત કર્યો છે.

વર્ષ 2020-21માં અમદાવાદના 16,246 દર્દીઓએ 38.43 કરોડના ખર્ચે PMJAY અંતર્ગત નિ:શુલ્ક સારવાર મેળવી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં 23મી સપ્ટેમ્બર 2018 ના રોજ જનહિતલક્ષી આયુષ્યમાન ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જેને આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે. આ ત્રણ વર્ષમાં આ યોજનાએ ખરા અર્થમાં અસંખ્ય ર્દદીઓને પીડામુક્ત બનાવી તેમને આયુષ્ય આપ્યું છે. અમદાવાદ જિલ્લાના 16,246 દર્દીઓએ અંદાજીત 38.43 કરોડના ખર્ચે PMJAY કાર્ડ અંતર્ગત સારવાર મેળવી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati