દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ
2013માં મહારાષ્ટ્રને સાગરદાણ મોકલી 22.50 કરોડનું નુકસાન આચર્યું હતું. આ કેસમાં મહેસાણા (Mehsana) બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રોજ ચાલશે.
મહેસાણા (Mehsana) ની દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ના સાગરદાણ કૌભાંડ (scam) માં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhary) સામે 21 હજાર પાનાની ચાર્જશીટ (chargesheet) દાખલ થઈ છે. CID ક્રાઈમની ચાર્જશીટમાં 2200 સાક્ષી દર્શાવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર 5 કરોડની ઉચાપત કરી હોવાનો ઉલ્લેખ છે. 2013માં મહારાષ્ટ્રને સાગરદાણ મોકલી 22.50 કરોડનું નુકસાન આચર્યું હતું. આ કેસમાં ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ મારફતે અમદાવાદની ખાસ કોર્ટમાં વિપુલ ચૌધરી, નીશિથ બક્ષી સહિત અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ રોજ ચાલશે.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલા સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂર્વ ચેરમેન વિપુલ ચોધરીએ બોર્ડના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં સાગરદાણ પશુ આહાર મોકલ્યું હતું. આમ કરી તેમણે ડેરીને 22.50 કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું સહકારી રજિસ્ટ્રારનું તારણ હતું. જેનાં આધારે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત દૂધસાગર ડેરીના કર્મચારીઓને તેમની કામગીરી બદલ પ્રોત્સાહન બોનસ ચૂકવવામાં આવતું હોય છે. કર્મચારીઓને આ બોનસની રકમ ચૂકવ્યા બાદ તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી અને તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર નિશીથ બક્ષીએ બોનસની 80ટકા રકમ કર્મચારીઓ પાસેથી ગેરરીતિપૂર્વક પરત લીધી હતી અને આ રકમનુંઅંગત રોકાણ કર્યું હતું.
દૂધસાગર ડેરીની 12-8-2019ના રોજ મળેલી બેઠકમાં આરોપી કોઇ હોદ્દો ન ધરાવતા હોવા છતાં બેઠકમાં હાજરી આપી હતી. દૂધસાગર ડેરીની અન્ય શાળાઓ રાજસ્થાન અને હરિયાણમાં પણ આવેલી છે અને શાખાઓનો તમામ વહીવટ મહેસાણાથી કરવામાં આવે છે. આરોપીઓએ ઉચાપતથી મેળવેલી રકમનું રોકાણ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીમાં કરવામાં આવ્યું છે. પોલીસે ચાર્જશીટમાં કુલ 2200 સાક્ષીઓ દર્શાવ્યા છે, જે પૈકી 23 સાક્ષીઓનાં નિવેદન સી.આર.પી.સી.ની કલમ-164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર આફત : રફ ડાયમંડ કંપની અલરોસા પર પ્રતિબંધથી સુરતના હીરાઉદ્યોગમાં નાણાભીડ ઉભી થઇ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો