અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની 8 કલાક સુધી મેરેથોન ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ આવ્યા બાદ સૌપ્રથમવાર પાલડી ટાગોર હોલ ખાતે આઠ કલાક સુધી પહેલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી.
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava) આવ્યા બાદ સૌપ્રથમવાર પાલડી ટાગોર હોલ ખાતે આઠ કલાક સુધી પહેલી ક્રાઈમ કોન્ફરન્સ (crime conference) યોજાઈ હતી. જેમાં કોરોનાના કારણે સંક્રમણ વધે નહીં તે માટે અમદાવાદ શહેરમાં એક પણ પાર્ટી પ્લોટને 31મી ડિસેમ્બરની પરમિશન આપવામાં નહીં આવે. જેથી એક પણ પાર્ટી યોજવામાં આવશે નહીં, આ ઉપરાંત ગુજકોપના પ્રોજેક્ટમાં હજી ઘણી બધી ખામીઓ છે તે દૂર કરી 90 ટકાથી વધુ આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો આદેશ પોલીસ કમિશનરે કર્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં હત્યા, અપહરણ લૂંટ તેમજ રીપીટર ઓફેન્સ અટકાવવા માટે ખાસ ધ્યાન ક્રાઈમ કોન્ફરન્સ પર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન ડિટેક્ટ કેસોને ઝડપી ઉકેલ લાવવા તેમજ કુખ્યાત ગુનેગારોને પાસા જેવા ગુના નોંધવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓની થતી છેડતી અટકાવવા તેમજ મહિલાઓની, સિનિયર સિટીઝન અને બાળકોની સુરક્ષા બાબતે પોલીસે વધારે ધ્યાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ તમામ પોલીસ કર્મીને સૂચન કર્યું હતું કે પબ્લિક સાથે પોલીસે સારું વર્તન કરવું. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું ધ્યાન રાખવા કહ્યું હતું. તેમજ રાત્રી કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ અધિકારીઓને હુકમ કર્યો છે.
ત્યારે ક્રાઈમ કોન્ફરન્સમાં 14 પોલીસ અધિકારી અને કર્મચારીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા હોવાથી પોલીસને આરોગ્યની કાળજી લેવા માટે એડમીન જેસીપી અજય ચૌધરીને ખાસ જવાબદારી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સોંપી છે, જેથી પોલીસના આરોગ્ય માટે ખાસ ડોક્ટરની ટીમ એક એનજીઓ સાથે મળી બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કામ કરતી જુદી જુદી ગેંગો અને અસામાજિક તત્વો માટે પોલીસ કમિશનરે તમામ ડીસીપીને યાદી તૈયાર કરાવડાવી છે. જેમાં ફ્રેક્ચર ગેંગ, લાકડા ગેંગ કે અનુપમ ગેંગ, કાલું ગરદન, નઝીર વોરા, સુલતાન જેવા અનેક ગુનેગારોના વિરુદ્ધ તાત્કાલિક પાસાના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે તેવી સૂચના આપી છે.
આ પણ વાંચો: એડિલેડમાં કંગાળ બેટીંગ કરી હાર્યા બાદ કોહલીએ કહ્યુ ‘તલનું તાડ ના કરો’
3 વર્ષ બાદ અમદાવાદ સિટી પોલીસની ક્રાઈમ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, GPS-IPS કેડરના અધિકારીઓ, 25 જેટલા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, 70 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર, સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એસસી એસટી સેલના અધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં શહેરમાં ક્રાઈમ થયેલ કામગીરી મુદ્દે ચર્ચા નવી પરિસ્થિતિ મુદ્દે ચર્ચા તેના માટે લીધેલાં પગલાં અને ભવિષ્યમાં લેવામાં આવનાર પગલાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.