Ahmedabad : અંગદાન મહાદાન, આ સૂત્રને ફરી મોરબીના એક પરિવારે સાબિત કર્યું ,ચાર લોકોને નવજીવન મળ્યું
રાણવા પરિવારની 19 વર્ષીય દીકરી આરતી કે જેને 30 ઓગસ્ટ પહેલા કોઈ કારણસર ઝેરી દવા પીધી. જે બાદ તેને મોરબીની કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

હાલના સમયમાં ઓર્ગન ડોનેટની ડિમાન્ડ વધી છે. જોકે લોકોમાં અંગદાનને લઈને નહિવત જાગૃતિ હોવાથી ઓર્ગનથી વંચિત રહેનાર મોતને ભેટે છે. પણ, કેટલાક પરિવાર એવા છે કે જેઓ ઓર્ગન ડોનેટ માટે આગળ આવે છે. આવો જ એક પરિવાર છે મોરબીના કોયલી ગામનો રાણવા પરિવાર કે જેની દીકરીને બ્રેઇનડેડ થતા તેના પાંચ અંગ દાન કરી 4 લોકોને જીવનદાન આપવામાં આવ્યું છે.
રાણવા પરિવારની 19 વર્ષીય દીકરી આરતી કે જેને 30 ઓગસ્ટ પહેલા કોઈ કારણસર ઝેરી દવા પીધી. જે બાદ તેને મોરબીની કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં ડોક્ટરે તેનું બ્રેઇનડેડ થયું છે અને તે જીવી નહીં શકે તેમ જણાવી તેના અંગદાન કરવાથી અન્યને જીવ મળશે તેમ જણાવ્યું. જે સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો અને આરતીને લઈને પરિવાર અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં આરતીનું ઓપરેશન કરીને તેના પાંચ અંગ ડોનેટ કરી 4 લોકોને જીવનદાન આપવામાં આવ્યું.
કોને કોને અપાયું જીવનદાન
સુરેન્દ્રનગરના 11 વર્ષીય બાળકને કિડનીનું દાન કરાયું એક કિડની અને પરેન્ક્રીયાસ જૂનાગઢના 34 વર્ષના પુરુષને અપાયું લીવરનો એક ભાગ 6 વર્ષના મહેસાણાના બાળકને અપાયો બીજા લીવરનો ભાગ 53 વર્ષના વિરમગામના પુરુષને અપાયો, જેનાથી પરિવાર તેમની દીકરી હાલ 4 લોકોમાં જીવતી હોવાની ખુશી અનુભવી રહ્યાં છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને sottoની ટીમના ડોકટરની વાત માનીએ તો હાલમાં ઓર્ગન ડોનેટની ડિમાન્ડ વધી છે. જેને જોતા 9 મહિના પહેલા અસારવા સિવિલ ખાતે sotto ની શરૂઆત કરવામાં આવી. જે અંગદાનમાં ટ્રાન્સપ્લાન્ટનું કામ કરે છે. 9 મહિના પહેલા શરૂ કરવામાં આવેલ આ કામગીરીમાં 9 મહિનામાં 9 વ્યક્તિએ અત્યાર સુધી 27 અંગ ડોનેટ કરી 27 લોકોને જીવનદાન અપાયું. અને તે 27 અંગમાં આંખ 24, કિડની 15, લીવર 10 અને સ્વાદુપિંડ 9 નો સમાવેશ થાય છે.
લીવરના બે ભાગ કરી બે લોકોને મળ્યું નવજીવન
તો આરતીના કેસમાં સિવિલ હોસ્પિટલ અને sotto દ્વારા સૌપ્રથમ વાર લીવરના બે ભાગ કરીને બે વ્યક્તિને જીવનદાન અપાયુ. જે આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. જેની પાછળ ડોકટરની ટીમ અપડેટ થતા સાયન્સનો આભાર માની રહ્યાં છે. તો સાથે જ વધુમાં વધુ લોકો અંગદાન કરી વધુમાં વધુ લોકોને જીવન મળે તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે. તો અંગદાન કરનાર પરિવારને ડોકટર ટીમે સર્ટિફિકેટ આપી તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. તો સુપ્રિટેન્ડેન્ટ ફ્રાન્સની એક મહિલા કે જેણે 50 વર્ષ પહેલા અંગદાન કર્યું તે હાલમાં પણ જીવે છે તેનું ઉદાહરણ આપી લોકોને અંગદાન તરફ પ્રેર્યાં હતા.

અંગદાન કરનાર પરિવારને ડોકટર ટીમે સર્ટિફિકેટ આપી તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા
છેલ્લા 9 મહિનામાં 27 લોકોને જીવનદાન મળ્યું
સિવિલ હોસ્પિટલ અને Sottoની ટીમ અને ડોકટર અને ખાસ અંગદાન કરનાર પરિવારના આ પ્રયાસથી એક જીવમાંથી 4 લોકોને જીવ મળ્યો છે. તો 9 મહિનામાં 27ને જીવનદાન મળ્યું છે. ત્યારે જરૂરી છે કે અન્ય લોકો પણ જેના અંગદાન કરાયા છે તે આરતી અને તેના પરિવારમાંથી શીખ લઈને અંગદાન તરફ આગળ પ્રેરાય. જેથી અન્યને જીવનદાન આપી શકાય.