
શહેરમાં આવેલ પૈસાદાર અને મધ્યમ વર્ગના લોકો દ્વારા ઉપરાંત સોશિયલ ગ્રુપ દ્વારા સંસ્થાઓ દ્વારા અનેક વસ્તુઓનું દાન કરવામાં આવે છે. જેની ખરીદી નિમ્ન મધ્યમવર્ગના કે ગરીબ વર્ગના લોકો કરે છે. અહીં વેચવામાં આવતી વસ્તુઓ નું મૂલ્ય ખૂબ જ ઓછું રાખવામાં આવે છે.

સમગ્ર ગુજરાતમાં સંસ્થાના 16 અને રાજસ્થાનમાં 1 કેમ્પસ આવેલ છે. અહીં દાનમાં બાળકો ના રમકડા થી લઈને વાજિંત્રો, કપડા, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, સુંદર મઝાની મૂર્તિઓ, જેવી અનેક ઘર ઉપયોગી વસ્તુઓ મળે છે. અહીં સૌથી વધારે 30થી 40 ટકા જેટલું ફર્નિચર દાન મળે છે.

અહીં દાન મળેલ વસ્તુઓની વેચાણ કિંમત 50 રૂપિયાથી લઈને આશરે 6 હજાર કે 7હજાર સુધીની હોય છે. 25 વર્ષના સમયગાળા દરમિયાન 2 થી 2.5 કરોડની જુની વસ્તુઓનું વેચાણ કરી રૂપિયા દાન તરીકે મેળવવામાં આવ્યા છે. દાનમાં મળેલા રૂપિયા નો ઉપયોગ સંસ્થામાં શિક્ષણ માટે અને આંખને લગતી બીમારીઓ અને તેના ઓપરેશન માટે વાપરવામાં આવે છે તદુપરાંત સંસ્થામાં જ કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

દાનની વસ્તુઓમાં ઘણીવાર સ્કુટી કે કાર્ગો વાહન પણ આવે છે. દાનમાં મળેલ વસ્તુઓને લઈ આવવા માટે ઉપેન્દ્ર અને પૂર્ણિમા શાહ તરફથી કાર્ગો વાહન પણ દાનમાં આપવામાં આવ્યા છે. તેને "ચેરિટી રથ" કહેવામાં આવે છે. જેનો ઉપયોગ સંસ્થાઓ કે લોકો દ્વારા આપવામાં આવેલ ભારે વસ્તુઓ જેવીકે ફર્નિચર, ટીવી, ફ્રીજ વગેરે લાવવા માટે થાય છે. દિવાળી જેવા તહેવારોના સમયે લોકો દ્વારા ઘર, ઓફીસ કે દુકાનોમા રિનોવેશન કરવામાં આવે છે અને નવી વસ્તુ ખરીદવામાં આવે છે ત્યારે જૂની વસ્તુઓનું દાન અહીં કરવામાં આવે છે.

દાનમાં મળેલ કપડા, ફર્નિચર, ગાદલા, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન વગેરે વસ્તુઓનો દર બે-ત્રણ મહિને સેલ રાખવામાં આવે છે. જેમાંથી 1થી1.50 લાખ સુધીની આવક ડોનેશન તરીકે મેળવવામાં આવે છે. આ બધી વસ્તુઓ લોકો પોતાના ઉપયોગ માટે તો ખરીદે જ છે. સાથે સાથે ઘણા બધા લોકો અહીંથી ઓછા ભાવે ખરીદાયેલી વસ્તુઓનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ રીતે જોઈએ તો એક વખત દાનમાં અપાયેલ વસ્તુનું એકથી વધારે વખત અને અનેક સ્વરૂપમાં વળતર મળે છે. જે એક અનોખી અને અદ્વિતીય બાબત છે.