Dussehra 2021 : ગુજરાતમાં દશેરા નિમિતે ધૂમ વેચાતા ફાફડા- જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો
ગુજરાતમાં વેચાતા ફાફડા જલેબીમાં જોવા જઇએ તો ફાફડામાં શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડાના ભાવ અન્ય તેલમાં તળેલા ફાફડા કરતાં વધારે છે.

ગુજરાતમાં(Gujarat) દશેરા(Dussehra ) પર્વે ફાફડા જલેબી (Fafda Jalebi) ખાવાનો અનેરો મહિમા છે. જો કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે.
તેવા સમયે ગુજરાતમાં દશેરાના દિવસે ધૂમ વેચાતા ફાફડા અને જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા છ મહિનામાં ખાધતેલના ભાવમાં થઈ રહેલો સતત વધારો અને કાચા માલની કિંમતમાં પણ વધારાને પગલે ફાફડા જલેબીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફાફડાના ભાવની વાત કરીએ તો એક કિલોના ભાવ રૂપિયા 440 થી લઈને 800 રૂપિયા સુધીનો હોવાનું માલૂમ પડ્યું છે. તેમજ જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં જલેબીનો એક કિલોનો ભાવ રૂપિયા 200 થી લઈને 960 સુધીનો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં વેચાતા ફાફડા જલેબીમાં જોવા જઇએ તો ફાફડામાં શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડાના ભાવ અન્ય તેલમાં તળેલા ફાફડા કરતાં વધારે છે. તેમજ તેવી જ રીતે જલેબીમાં પણ શુદ્ધ તેલ અને શુદ્ધ ધીમાં તળેલી જલેબીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. તેમજ આ ઉપરાંત જલેબીમાં હવે ઇમરતી અને કેસર જલેબી જેવી વેરાઇટી પણ ઉમેરાઇ છે.
આ અંગે વેપારીઓ જણાવે છે કે ફાફડા જલેબી બનાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતાં આ ભાવ વધારો કરવાની ફરજ પડી છે. રાજયમાં અનેક શહેરોમાં જુદી જુદા વિસ્તારોમાં મોટી સંખ્યામા મંડપ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ ફરસાણ એશોશીએશનનુ માનીએતો શહેરમા એશોશીએશનમા નોધાયેલી ફરસાણની ૫૦૦ દુકોનો તો મોટા પાયે વેચાણ કરે છે.
આ ઉપરાંત શહેરમાં અનેક સ્થળોએ મંડપ બાંધીને ગરમાગરમ ફાફડા જલેબી અને તેની સાથે હવે ચોળાફળીનું પણ વેચાણ જોવા મળે છે. જેમાં ફાફડા જલેબી લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભેલા જોવા મળતા હોય છે. તેમજ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાધા વિના તેની ઉજવણી અધુરી રહી હોય તેમ પણ લોકોને લાગે છે.
આ પણ વાંચો : રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે ભરતીની યુવાનોને લાલચ આપે છે : કોંગ્રેસ