Bollywood News: સ્વરાએ પોતાના પાત્રો અને ફિલ્મો વિશે કરી વાત, ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી મળી લોકપ્રિયતા
સ્વરા ભાસ્કર બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તાજેતરમાં સ્વરાએ તેના પાત્રો અને ફિલ્મો વિશે વાત કરી હતી.
સ્વરા ભાસ્કર (Swara Bhasker) એ બોલીવુડ અભિનેત્રી છે. જેણે હંમેશા અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. તે બાકીની અભિનેત્રીઓની (Bollywood Actress) જેમ ગ્લેમરસ નથી, પરંતુ ડી ગ્લેમ રોલથી દર્શકોના દિલ જીતી લે છે. આટલું જ નહીં સ્વરા કોઈપણ મુદ્દા પર બોલવામાં શરમાતી નથી. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. ક્યારેક તે આ કારણે ટ્રોલ પણ થાય છે. જો કે સ્વરાને આ બધાથી કોઈ ફરક પડતો નથી.
સ્વરાના પાત્ર અને ફિલ્મો વિશે કેટલીક રસપ્રદ વાતો
હવે સ્વરાએ તેના પાત્ર અને ફિલ્મો વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી. સ્વરાએ મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના કામ વિશે કહ્યું હતું કે, ‘હું હંમેશા મજાકમાં કહું છું કે હું એ જ ફિલ્મોમાં કામ કરું છું જેને અન્ય લોકો રિજેક્ટ કરે છે.’ સ્વરાએ એમ પણ કહ્યું હતું કે, તેના મોટા બજેટના પાત્રો પણ અગાઉ કેટલાક લોકોએ રિજેક્ટ કર્યા હતા.
સ્વરાએ કહ્યું, ‘રાંઝણા ફિલ્મ દરમિયાન મને છેલ્લે કાસ્ટ કરવામાં આવી હતી. કારણ કે કોઈ અન્ય મારું પાત્ર ભજવવાનું હતું, પરંતુ છેલ્લી ક્ષણે તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી. બસ ત્યાર બાદ મને આ પાત્ર મળ્યું. પ્રેમ રતન ધન પાયોમાં કોઈ અભિનેત્રી સલમાન ખાનની બહેનનો રોલ કરવા ઈચ્છતી નહોતી. તો આવી સ્થિતિમાં આ પાત્ર મારી પાસે આવ્યું અને મેં તેને ભજવ્યું. ફિલ્મ વીરે દી વેડિંગ દરમિયાન પણ રિયા વિચારતી હતી કે, કોને કાસ્ટ કરવી અને મેં મારું નામ આપ્યું.
“જ્યારે એક વાર કોઈએ મને કહ્યું કે, નિલ બટ્ટે સન્નાટા એ તેની કારકિર્દીની આત્મહત્યા હશે. પરંતુ આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. આ ફિલ્મે મને મારી ઓળખ આપી. અનારકલી ઑફ આરાહ ફિલ્મના દિગ્દર્શક પણ અઢી વર્ષ પછી તેમની પાસે આવ્યા હતા અને ત્યાં સુધીમાં તેમણે ઘણા લોકો સાથે ફિલ્મ વિશે વાત કરી હતી અને આખરે મારી પાસે આવ્યા હતા.
સ્વરા ભાસ્કર વ્યાવસાયિક જીવન
સ્વરાએ વર્ષ 2009માં માધવલાલ કીપ વૉકિંગ ફિલ્મ કરી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તે વર્ષ 2010માં ફિલ્મ ગુઝારીશમાં જોવા મળી હતી. જો કે વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ તનુ વેડ્સ મનુથી તેને લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં સ્વરાએ કંગના રનૌતની મિત્રની ભૂમિકા ભજવી હતી. સ્વરાના કામને વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો.
આ પછી સ્વરાને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ રાંઝણાથી પણ સારો પ્રતિસાદ મળ્યો. સ્વરાએ ત્યારબાદ સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં કામ કર્યું અને તેની સાથે તેણે સ્વતંત્ર ફિલ્મોમાં પણ પોતાનો કમાલ બતાવ્યો. જેમાં નીલ બટ્ટે સન્નાટા અને આરાહની અનારકલી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
સ્વરાની આવનારી ફિલ્મો
સ્વરા ટૂંકી ફિલ્મ શીર કોરમામાં જોવા મળશે. જેમાં સ્વરા સાથે દિવ્યા દત્તા અને શબાના આઝમી લીડ રોલમાં છે. આ ફિલ્મમાં સ્વરા અને દિવ્યા લેસ્બિયનની ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી છે. જો કે આ ફિલ્મ હજુ સુધી ભારતમાં રિલીઝ થઈ નથી. આ સિવાય સ્વરા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળશે.
આ પણ વાંચો: Bollywood News: આમિર ખાનના કહેવા પર રાજી થયા અમિતાભ બચ્ચન, આ કારણસર સાઈન કરી ‘ઝુંડ’