Exclusive: ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ને મળશે પઠાનના બોયકોટ ટ્રેન્ડનો ફાયદો? રાજકુમાર સંતોષીએ આપ્યો આ જવાબ
બોક્સ ઓફિસ પર બે ફિલ્મો સામસામે ટકરાવી એ નવી વાત નથી. આ 26મી જાન્યુઆરીએ ફરી એકવાર બોલિવૂડની બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઈ રહી છે. આ ફિલ્મોમાં ગાંધી ગોડસે એક યુદ્ધ (Gandhi Godse Ek Yudh) અને પઠાનનો (Pathaan) સમાવેશ થાય છે.
ફેમસ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે એક યુદ્ધ 26 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા ભારતના ઈતિહાસની બે પ્રસિદ્ધ હસ્તીઓની બાજુ દુનિયાની સામે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગાંધી ગોડસે એક યુદ્ધ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન એકસાથે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. Tv9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં રાજકુમાર સંતોષીએ આ વિશે ખુલીને વાત કરી.
શાહરૂખ ખાનની પઠાન ફિલ્મના બોયકોટનો જે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે, શું તેનો ફાયદો ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ને થઈ શકે છે?’ આ સવાલના જવાબ આપતા રાજકુમાર સંતોષીએ કહ્યું, “તે અફસોસની વાત છે કે તેના વિરુદ્ધ ટ્રેન્ડ ચલાવાને કારણે મને ફાયદો થઈ રહ્યો છે. મને મારી ફિલ્મને કારણે પસંદ કરવો જોઈએ. તેના વિચારને કારણે પસંદ કરવો જોઈએ, આ ફિલ્મના મેકિંગને કારણે પસંદ કરવી જોઈએ. એવું નથી કે લોકોએ તે ફિલ્મની વિરુદ્ધ જઈને આ ફિલ્મને પસંદ કરવી જોઈએ.
અહીં જુઓ રાજકુમાર સંતોષીનો ધમાકેદાર ઈન્ટરવ્યૂ
જાણો શું છે રાજકુમાર સંતોષીનું કહેવું
વધુમાં રાજકુમાર સંતોષીએ કહ્યું કે, “શાહરુખ ખાન ખૂબ જ સારો કલાકાર છે. તે ખૂબ જ સારો માણસ છે અને ખૂબ મહેનતુ પણ. હું તેમને ઓળખું છું. તે અમારો મિત્ર છે. યશરાજ બહુ મોટું બેનર છે. ઘણી સારી સારી ફિલ્મો તેને બનાવી છે. ખૂબ જ રિસ્પેક્ટેડ નિર્દેશક હતા, યશ ચોપરાજી. તેમના બેનર હેઠળ આ ફિલ્મ બની છે. મને લાગે છે કે આ એક અલગ પ્રકારની ફિલ્મ છે, જેઓ આવી મનોરંજક ફિલ્મો જોવા માંગે છે તેમના માટે બનાવવામાં આવી છે. કેટલાક લોકો તે ફિલ્મ જોશે. અમારી ફિલ્મ અલગ છે.”
આ પણ વાંચો : Zwigato: બાઈક પર ઘરે ઘરે ડિલીવરી પહોંચાડશે કપિલ શર્મા, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ઝ્વિગાટો
બંને ફિલ્મો જોઈ શકે છે લોકો
ગાંધી ગોડસે એક યુદ્ધના નિર્દેશકે વધુમાં કહ્યું કે જે લોકો અમારી સ્ટોરી જોવા માંગે છે તેઓ આ ફિલ્મ જોશે. બંને ફિલ્મોની જે રીતે પબ્લિસિટી કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંને ફિલ્મોમાં કયું કન્ટેન્ટ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો બંને ફિલ્મો જોશે. એ પણ શક્ય છે કે આ ફિલ્મ જોયા પછી લોકો તે ફિલ્મ પણ જુએ. તે લોકોની પસંદગી છે.