Breaking News : શાહરૂખ ખાનની પત્ની ગૌરી વિરુદ્ધ લખનઉમાં FIR નોંધાઈ, 86 લાખની છેતરપિંડીનો આરોપ
ઉત્તર પ્રદેશના લખનઉમાં બુધવારે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે તુલસીયાની બિલ્ડર્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે ગૌરી ખાન મુશ્કેલીમાં છે.
અભિનેતા શાહરુખ ખાનના પરિવાર ફરી એકવાર એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં બુધવારે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે તુલસીયાની બિલ્ડર્સ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે ગૌરી ખાન મુશ્કેલીમાં છે. ગૌરી ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 409 (વિશ્વાસનો ફોજદારી ભંગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુંબઈમાં રહેતા જસવંત શાહે ફરિયાદ નોંધાવી છે.
આ એફઆઈઆર હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે કે, જે કંપનીની ગૌરી ખાન બ્રાન્ડ એમ્બેસેડર છે તે કંપનીએ 86 લાખ રુપિયા તો લીધા પણ પૈસા લીધા બાદ આપેલા સમયમાં ફલેટ આપ્યો ન હતો. ફરિયાદ કરનાર વ્યક્તિનું કહેવું છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનથી પ્રભાવિત થઈને આ ફલેટ ખરીદ્યો હતો.
ગૌરી ખાન વિરુધ થયેલી FIR
આ ફરિયાદમાં એવો આરોપ લગવવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશના લખનઉમાં સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં તુલસિયાની ગોલ્ફ વ્યૂમાં તેમણે જે ફલેટ માટે પૈસા આપ્યા હતા, તે ફલેટ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સિવાય તુલસિયાની કંસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ લિમિટેડના પ્રમુખ નિદેશક અનિલ કુમાર તુલસિયાની અને સાથી નિદેશક મહેશ તુલસિયાની વિરુધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડીસીપીને કરવામાં આવી ફરિયાદ
એફઆઈઆર કરનાર જસવંત શાહે ડીસીપી સાઉથ રાહુલ રાજ સમક્ષ આ આખી ઘટનાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ડીસીપીના આદેશ પર 25 ફેબ્રુઆરીના રોજ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં અનિલ કુમાર તુલસિયાની, મહેશ તુલસિાની અને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
વર્ષ 2016માં ફલેટનો કબજો આપવાનું આપ્યું હતું વચન
ફરિયાદી જસવંત શાહે જણાવ્યું હતું કે, કંપનીએ ઓક્ટોબર 2016માં કબજો સોંપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ નિયત સમયમાં પઝેશન ન મળતાં કંપનીએ વળતર પેટે 22.70 લાખ રુપિયા ચૂકવ્યા હતા અને 6 મહિનામાં કબજો સોંપી દેવાની ખાતરી આપી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે આમાં નિષ્ફળ જવાથી તે વ્યાજ સહિત પૈસા પરત કરશે. દરમિયાન પીડિતને ખબર પડી કે કંપનીએ તેનો ફ્લેટ અન્ય કોઈના નામે વેચવાનો કરાર કરીને વેચી દીધો છે.