UP Election 2022 : ‘જીવતા લોકો ભાજપને વોટ નહીં આપે, શું ગંગામાં તરતી લાશ વોટ આપશે ?’ સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર
યુપીના સંદર્ભમાં ભાજપની ટીકા કરતા સંજય રાઉતે યોગી આદિત્ય નાથ સહિત અન્ય નેતાઓ દ્વારા દલિતોની ઝૂંપડીમાં ભોજન કરવાને ઢોંગ ગણાવ્યો હતો.
UP Election 2022 : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને બે મહત્વની બાબતો સામે આવી છે કે, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર વચ્ચે સહમતિ બની શકી નથી. જે બાદ ચંદ્રશેખર એટલા નિરાશ થઈ ગયા કે તેમણે કહ્યુ કે, સમાજવાદી પાર્ટીને દલિત મતોની જરૂર જણાતી નથી.
શું ગંગામાં તરતી લાશ ભાજપને મત આપશે ?
બીજી તરફ ભાજપે 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે(Sanjay Raut) પણ UPની આ ચૂંટણી પ્રવૃત્તિઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે શિવસેના સાંસદે ગોવા વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યુ કે, ‘ઉતર પ્રદેશમાં જીવંત લોકો ભાજપને વોટ નહીં આપે, તો શું ગંગામાં તરતી લાશ ભાજપને મત આપશે ?
દલિતોની ઝૂંપડીમાં ભોજન કરવાને ઢોંગ ગણાવ્યો
‘કોણ કોઈના ઘરે જમતી વખતે જ્ઞાતિ પૂછે છે ? દલિતોના ઘરે ખાવાનું ખાઈને આ ઢોંગ કરવામાં આવી રહ્યા છે.યુપીના સંદર્ભમાં ભાજપની ટીકા કરતા સંજય રાઉતે યોગી આદિત્ય નાથ સહિત અન્ય નેતાઓ દ્વારા દલિતોની ઝૂંપડીમાં ભોજન ખાવાની ઘટનાઓને ઢોંગ ગણાવી હતી.
વધુમાં સંજય રાઉતે કહ્યું, ‘જો તમે કોઈના ઘરે ભોજન કરવા જાઓ છો, તો શું તમે તે વ્યક્તિના ઘરે જઈને ભોજન કરો છો કે પછી એવું વિચારીને જાઓ છો કે દલિતના ઘરે જમવા જાઓ છો કે પછી કોઈના ઘરે જાવ છો ? ભાજપના નેતાઓ કોઈના ઘરે જઈને દલિત હોવાનું જણાવીને શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વ્યક્તિના ઘરે જઈને ભોજન કરો, કોઈ ચોક્કસ જ્ઞાતિના ઘરે જઈને ભોજન ન કરો. દેશને ફરીથી જાતિ અને વર્ગમાં ન વહેંચો.
BJP હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યુ છે
સંજય રાઉતે ગોવા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણના ભાજપના વલણ અને કાર્યશૈલીની પણ ટીકા કરી હતી. સાથે તેમણે સંકેત આપ્યો કે મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવા માટે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ પર દબાણ વધી રહ્યું છે. હવે ભાજપ તેમને ટિકિટ આપશે તેવું લાગી રહ્યુ છે. વધુમાં સંજય રાઉતે કહ્યું કે, ‘મારું અનુમાન છે કે ભાજપે ગોવામાં ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવી પડશે. જેઓ પૂછે છે કે ઉત્પલ પર્રિકરે શું કર્યું છે, તેમને જણાવો કે ગોવામાં તેમની સ્થિતિ શું છે.