રાજસ્થાન ચૂંટણી પરિણામ 2023 : રાજસ્થાનમાં હવે મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? ભાજપ કોને સુકાન સોંપશે ?
રાજસ્થાનમાં વસુંધરા રાજેએ ભાજપને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે હવે ભાજપ ફરી વસુંધરા રાજેને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે કે કેમ તે ચર્ચા થઇ રહી છે. તો બીજી તરફ દિયા કુમારી પણ મુખ્યમંત્રી બને તેવી શક્યતા જોવા મળી રહી છે.

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ત્યારે હવે પરિણામના રુઝાને રાજસ્થાનમાં ચિત્ર સ્પષ્ટ કરી દીધુ છે.રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા કેટલાક દાયકાઓથી સરકારમાં ફેરફાર થવાનું વલણ છે.ત્યારે અહીં ફરી એકવાર સત્તાપલટ થતી દેખાઇ છે. ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રીનો ચહેરો કોણ તેના પર ચર્ચા શરુ થઇ છે. રાજ્યના રાજકારણમાં વસુંધરા રાજે અને દિયા કુમારીને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રાજસ્થાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે મહત્વનું રાજ્ય છે. બંને પક્ષોએ સત્તા માટે ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.જો કે પરિણામ ભાજપ તરફી છે. વસુંધરા રાજેએ ભાજપને સત્તામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે હવે ભાજપ ફરી વસુંધરા રાજેને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે કે કેમ તે ચર્ચા થઇ રહી છે. તો બીજી તરફ દિયા કુમારી પણ મુખ્યમંત્રી બને તેવી શક્યતા જોવા મળી રહી છે.
ભાજપમાં સમર્થકોનો શું છે મત ?
ઘણા સમયથી ભાજપ વસુંધરા રાજેને સાઇડલાઇન કરી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી હતી. તો ભાજપ નેતાઓ સાથે તેમની ઘર્ષણ થયાના અહેવાલો પણ ઘણા સામે આવ્યા હતા. જો કે ચૂંટણી દરમિયાન ભાજપે એકજૂટ ચહેરો બતાવવાનો પ્રયાસ કર્યો છે.બીજી તરફ ભાજપે પોતાની સાંસદ દિયા કુમારીને વિધાનસભા ચૂંટણીમાં ઉતારીને પણ સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે.
ચૂંટણીના માહોલ વચ્ચે કેટલાક બીજેપી સમર્થકો પણ જોવા મળ્યા જેમણે કહ્યું કે દિયા કુમારી મુખ્યમંત્રી બને તો સારું. તો કેટલાકે કહ્યુ કે વસુંધરા રાજે જે રીતે પોતાના ભાષણ કે ઇન્ટરવ્યુ આપે છે તેનાથી દિયા કુમારી પાછળ છે. બીજેપીના એક કાર્યકર્તાએ પોતાનો અનુભવ શેર કર્યો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિયા કુમારી મીડિયા સાથે વસુંધરા રાજે જે રીતે વ્યવહાર કરતી હતી તે રીતે તે સક્ષમ ન હતી.
કોણ છે દિયા કુમારી ?
જ્યારથી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના સાંસદ દિયા કુમારીને ઉમેદવાર બનાવ્યા ત્યારથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ભાજપ તેમને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોઈ રહી છે? વસુંધરાની જેમ દિયા કુમારી પણ રાજવી પરિવારમાંથી આવે છે. તે જયપુરના છેલ્લા શાસક મહારાજા માન સિંહ IIની પૌત્રી છે.
દિયા કુમારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી. 2013માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે દિયા કુમારીએ તેમની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું.2013ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને સવાઈ માધોપુરથી ઉમેદવાર બનાવ્યા અને દિયા કુમારી જીતી ગયા. 2019માં ભાજપે તેમને રાજસમંદ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી અને દિયા કુમારી જીતીને સંસદમાં પહોંચી. હવે તેઓ રાજસ્થાનની વિદ્યાધર નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
વસુંધરા ચૂંટણીમાં રહ્યા મહત્વપૂર્ણ ચહેરો
તો વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ચહેરો છે, જેમની ચર્ચા વિના રાજ્યની રાજનીતિનું કોઈ મહત્વ નથી. તે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે અને બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમને રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે.આ વખતે વસુંધરા ઝાલરાપાટન સીટથી ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસે રામ લાલ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે.
વસુંધરાએ 1984માં મધ્યપ્રદેશની ભિંડ લોકસભા બેઠક પરથી પોતાની પ્રથમ ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. જો કે, તે જ સમયે 1985 માં, તેમને તેમની પ્રથમ રાજકીય જીત ધોલપુર વિધાનસભા બેઠક પરથી મળી. વસુંધરા અત્યાર સુધીમાં 5 વખત લોકસભા અને 5 વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂકી છે. તે 2003 થી ઝાલરાપાટનથી સતત ચૂંટણી જીતી રહી છે.
આ પણ વાંચો-રાહુલ ગાંધી તો જ્યોતિષી નિકળ્યા ! રાજસ્થાનના પરિણામ પહેલા આ શું બોલી ગયા? જુઓ વીડિયો
ભાજપ આવી રણનીતિ અપનાવી શકે
ત્યારે ચર્ચા એવી થઇ રહી છે કે ભાજપ રાજસ્થાનમાં વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવી શકે છે અને દિયા કુમારીને ડેપ્યુટી સીએમનું પદ સોંપી શકે છે.જેથી કરીને ભાજપ પોતાના બંને ઉમેદવારને યોગ્ય સ્થાન આપી શકે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે વસુંધરા રાજેની ઉંમર 70 વર્ષથી વધુ છે.જેથી અત્યારે તેમને સત્તા આપી દિયા કુમારીને ડેપ્યુટી સીએમ પદ આપી આગામી સમય માટે તેમને સીએમ પદ માટે તૈયાર કરવામાં આવી શકે છે.
