Gujarat Election 2022 : જંબુસરમાં સત્તાની શતરંજમાં કોનું પલડું ભારે? વાંચો બેઠકના રાજકીય સમીકરણ અને History
જંબુસર બેઠક ઉપર કોળી અને મુસ્લિમ મતદારોની પસંદગી હાર અને જીતનો નિર્ણય કરે છે. જંબુસરમાં કુલ 2.41 લાખ મતદાર છે. 50 ટકાથી વધુ મતદાર આ બે જાતિના છે. ક્ષેત્ર અનુસાર મતદારોની વાત કરીએ તો હવેલી ટપકો ગણાતા ગજેરા , કહાનવા અને કારેલી પટ્ટીના 30 ગામના મતદારો ઉપર વધુ મદાર રહેતો હોય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીયપાર્ટીઓ સત્તા કબ્જે કરવા મેદાનમાં ઉતરી પડી છે. ચૂંટણીની જાહેરાત સાથે સૌથી પહેલી પ્રક્રિયા મુરતિયાઓની પસંદગીની રહેતી હોય છે. આ કામગીરી સૌથી જટિલ રહેતી હોય છે. પાર્ટીના સેંકડો કાર્યકરોમાંથી એકમાત્ર ઉમેદવદરની પસંદી ઘણીવાર શિરોવેદના બની જતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ભરૂચ , ઝગડીયા અને અંકલેશ્વર વિધાનસભા બેઠકો આવેલી છે. જંબુસર વિધાનસભા વર્ષ 1990 થી બે ટર્મને બાદ કરતા ભાજપાના કબ્જામાં રહી છે. વિધાનસભા ચૂંટણી 2017 અને 2007 માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. કોળી અને મુસ્લિમ મતદારોના પ્રભુત્વવાળી બેઠક ઉપર આગામી ચૂંટણી માટે કોનું પલ્લું ભારે છે તે અનુમાન લગાવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
બેઠકનું જાતિ સમીકરણ
જંબુસર બેઠક ઉપર કોળી અને મુસ્લિમ મતદારોની પસંદગી હાર અને જીતનો નિર્ણય કરે છે. જંબુસરમાં કુલ 2.41 લાખ મતદાર છે. 50 ટકાથી વધુ મતદાર આ બે જાતિના છે. ક્ષેત્ર અનુસાર મતદારોની વાત કરીએ તો હવેલી ટપકો ગણાતા ગજેરા , કહાનવા અને કારેલી પટ્ટીના 30 ગામના મતદારો ઉપર વધુ મદાર રહેતો હોય છે.
| જ્ઞાતિ / જાતિ | મતદારની સંખ્યા (અંદાજિત ) |
| કોળી | 80000 |
| મુસ્લિમ | 70000 |
| રજપૂત | 15000 |
| અનુસૂચિત જાતિ | 15000 |
| અનુસૂચિત જનજાતિ | 20000 |
| પાટીદાર | 25000 |
| અન્ય | 15000 |
બેઠકનો ઇતિહાસ
વિધાનસભા ચૂંટણી 1990 થી જંબુસરના રાજકીય ઇતિહાસ ઉપર નજર કરીએતો નહાર ગામના અગ્રણી પૂંજાભાઇ મોરી ભાજપ તરફથી ટિકિટ મેળવી ધારાસભ્ય બન્યા હતા. માત્ર 2 વર્ષમાં પૂંજાભાઇ માંદગીના કારણે મૃત્યુ પામતા 1992 માં બાય ઈલેક્શન આવ્યું હતું. પૂંજાભાઇના પુત્ર છત્રસિંહ મોરીને આ બેઠક ઉપરથી ભાજપાએ ટિકિટ આપી ઉમેદવારી કરાવી હતી જેમાં ઠાકોરભાઈ અમીનને પરાજિત કરી છત્રસિંહ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા જે બાદમાં રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પણ બન્યા હતા. આ બાદ વિધાનસભા ચૂંટણી 1995, 1998 અને 2002 માં વિજેતા બનવાની હેટ્રિક લગાવી હતી. વિધાનસભા ચૂંટણી 2007 માં છત્રસિંહ થી નારાજ RSS ના કદાવર નેતા મુકેશ જાદવે અપક્ષ ઉમેદવારી કરી 4700 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં છત્રસિંહને કોંગ્રેસના ઉમેદવાર કિરણ મકવાણાએ 1000 મતથી પરાજિત કર્યા હતા. વિધાનસભા ચૂંટણી 2012 માં છત્રસિંહ ઉપર ભાજપાએ વિશ્વાસ મુકતા તે સાચો સાબિત થયો અને ભાજપાએ બેઠક પરત મળી હતી. ચૂંટણી 2017 માં ફરી છત્રસિંહ મોરી સામે બળવો થયો અને માજી શહેરી વિકાસ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ અપક્ષ ઉમેદવારી કરી 8000 મત મેળવ્યા હતા . આ વખતે છત્રસિંહને કોંગ્રેસના સંજય સોલંકીએ 6100 મતથી પરાજય આપ્યો હતો.
વિધાનસભા ચૂંટણી 2017નું પરિણામ
| CANDIDATE NAME | POLITICAL PARTY | VOTE | POSTAL | TOTAL | % VOTES |
| SANJAYBHAI JESANGBHAISOLANKI | CONGRESS | 72841 | 375 | 73216 | 46.71 |
| CHHATRASINHJI POOJABHAI MORI | BJP | 66395 | 409 | 66804 | 42.62 |
| KHUMANSINH KESHRISINH VANSIA | INDEPENDENT | 8702 | 80 | 8782 | 5.6 |
ટિકિટ માટે સંતો પણ મેદાનમાં
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ઉમેદવારોના પરિવર્તન અને પુનરાવર્તન માટે જોર લગાવાઈ રહ્યું છે. ભાજપામાંથી છત્રસિંહ વધુ એક તક માંગી રહ્યા છે તો કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર કિરણ મકવાણા તો યુવા કાર્યકર બળવંત પઢીયાર પણ તક માંગી રહ્યા છે.ગત ટર્મમાં સંઘ તરફથી મજબૂત ટેકો મેળવનાર પરંતુ રાજકીય આટાપાટાના કારણે ટિકિટ ન મેળવનાર સ્વામિનારાયણના સંત ડી કે સ્વામી પણ ટિકિટના દાવેદાર છે.
ભાજપના ટિકિટ વાંચ્છુકો
- છત્રસિંહ મોરી
- કિરણ મકવાણા
- બલવંતસિંહ પઢીયાર
- ડી કે સ્વામી
કોંગ્રેસમાં ધારાસભ્ય સંજય સોલંકી ફરી ટિકિટ માંગી રહયા છે. સંજય સોલંકી ઉપર તાજેતરમાં હુમલો થયો હતો જેમાં ટિકિટ વાંચ્છુકોની ભૂમિકા હોવાના આક્ષેપ થયા હતા.સહકારી આગેવાન સંદીપ માંગરોલા અગાઉ વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપરથી 37 હજાર કરતા વધુ મતથી પરાજિત થયા બાદ હવે મતક્ષેત્ર બદલી શકે છે. માંગરોલા અહીં નસીબ અજમાવવાના મૂડમાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે જોકે ટિકિટ માંગવામાં આવી છે કે નહિ તેનો સંદીપ માંગરોલા સ્પષ્ટ જવાબ આપવાનું ટાળી રહયા છે.
કોંગ્રેસ ટિકિટ વાંચ્છુકો
- સંજય સોલંકી
- રણજિત પઢીયાર
- સંદીપ માંગરોલા

