સુરત: વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ દિનેશ નાવડિયાનો કર્યો ખુલ્લેઆમ વિરોધ, ઉદ્યોગપતિને બદલે ભાજપના કાર્યકર્તાને ટિકીટ આપવાની માગ
Surat: વરાછા બેઠક પરથી ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. વરાછા બેઠક પરથી કુમાર કાનાણી છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય છે અને આ ટર્મમાં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુ છે ત્યારે ઉદ્યોગપતિ દિનેશ નાવડિયા પણ વરાછાથી દાવેદાર છે જેને લઈને કુમાર કાનાણીએ દિનેશ નાવડિયાનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા છે.
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election) ની ચૂંટણી માટે ભાજપે સેન્સ લેવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભાજપે (BJP) મૂરતિયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે તો આ દરમિયાન ટિકિટ માટેની ખેંચતાણ પણ જાહેરમાં સામે આવી છે. સુરત (Surat) માં પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા. કુમાર કાનાણીએ ભાજપના નિરીક્ષકોને કહ્યુ કે કોઈ ઉદ્યોગપતિને નહીં પરંતુ પાયાના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યુ કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કોઈ દિવસ કામ કર્યુ નથી. આ સાથે જ કુમાર કાનાણીએ ભાજપનું મોવડીમંડળ પક્ષના હિતમાં યોગ્ય નિર્ણય લેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કુમાર કાનાણી વરાછા બેઠક પર બે ટર્મથી ધારાસભ્ય
આપને જણાવી દઈએ કે સુરતની 12 વિધાનસભા બેઠક પૈકી સૌથી મહત્વની બેઠક વરાછા વિધાનસભા ગણાય છે. વરાછા બેઠક પાટીદારોનો ગઢ ગણાય છે. કુમારા કાનાણી વરાછા બેઠક પરથી છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય છે અને આ ટર્મમાં પણ તેઓ અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે. એવો આડકતરો ઈશારો પણ કુમાર કાનાણીએ કરી દીધો.
કુમાર કાનાણીએ કહ્યુ કે હું 10 વર્ષથી પ્રતિનિધિત્વ કરુ છુ, વરાછા બેઠક પર લોકો મને પસંદ કરશે. મે વરાછા વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી છે. લોકોનો અવાજ બનીને સતત લડતો રહ્યો છુ. વધુમાં કાનાણીએ કહ્યુ કે ભાજપના કોઈપણ કાર્યકર્તાને ટિકિટ માગવાનો અધિકાર છે. પરંતુ કોઈ ઉદ્યોગપતિ આવીને ટિકિટ માગે એ મને યોગ્ય નથી લાગતુ. કોઈ ઉદ્યોગપતિને કેવી રીતે પ્રતિનિધિત્ન અપાય તેવો સવાલ પણ પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કર્યો.
કાનાણીએ વધુમાં જણાવ્યુ કે ભાજપનું કામ ભાજપના કાર્યકર્તાઓ કરે છે. દરેક કામગીરી માટે કાર્યકરો દોડતા હોય છે. ઉદ્યોગપતિ કે કોઈ સમાજના આગેવાનો દોડતા નથી હોતા. કોઈ ઉદ્યોગપતિ ભાજપના શુભેચ્છક હોઈ શકે, કોઈ સમાજના આગેવાન હોઈ શકે પરંતુ ભાજપના કાર્યકર્તા નથી. જો કે કાનાણીએ જણાવ્યુ કે ભાજપનું મોવડીમંડળ જે કોઈને પણ પસંદ કરશે તેને અમે સહકાર આપીશુ.
મહત્વપૂર્ણ છે કે સુરતની 12 વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમા 6 બેઠક માટે ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. જેમા વરાછા અને ઉધના બેઠક માટે દાવેદાર ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. વરાછા વિધાનસભા માટે 15 દાવેદારો નોંધાયા છે જ્યારે ઉધના વિધાનસભા બેઠર માટે 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઈનપુટ ક્રેડિટ- પારૂલ માહડિક- સુરત