Gujarat Election 2022 : ગુજરાતનો ગઢ જીતવા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, PM મોદી ચાર સભા સંબોધી ગજવશે ઉત્તર ગુજરાત
Gujarat Assembly Election : છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ મહતમ બેઠકો અંકે કરવા મથામણ કરી રહી છે. વડાપ્રધાન મોદીના વતન સહિત આગામી લોકસભા ચૂંટણીને પગલે ભાજપ માટે આ વખતની ચૂંટણી ખૂબ મહત્વની છે.
![Gujarat Election 2022 : ગુજરાતનો ગઢ જીતવા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, PM મોદી ચાર સભા સંબોધી ગજવશે ઉત્તર ગુજરાત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2022/11/PM-Modi-Gujarat-Visit-5.jpeg?w=1280)
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાતના ગઢને સર કરવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. PM મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરીને તાબડતોડ ચૂંટણી સભા ગજવી રહ્યા છે, ત્યારે PM મોદી પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. PM મોદી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરશે. પાલનપુરમાં જંગી જનસભા કર્યા બાદ મોડાસા, દહેગામ અને છેલ્લે બાવળામાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને PM મોદી મતદારોને રીઝવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર
ગઈ કાલે ઉત્તર ગુજરાતના મહેસાણામાં સભા સંબોધતા PM મોદીએ કોંગ્રેસના મોડલને જાતિવાદી, પરિવારવાદી અને ભ્રષ્ટાચારી ગણાવ્યું. મોદીએ કહ્યું કે લોકોને પછાત રાખવા એ જ કોંગ્રેસની ઈચ્છા. તો મધ્ય ગુજરાતના દાહોદમાં બીજી સભા સંબોધતા આદિવાસી મતબેંકને રિઝવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને કોંગ્રેસે સમર્થન ન આપ્યું હોવાનું કહીને આકરા પ્રહાર કર્યા. જ્યારે વડોદરામાં વિકાસનો મંત્ર ફૂંકતા કહ્યું કે ગુજરાત ઓટો, પેટ્રો, કેમિકલ અને ફાર્મા હબ બની ગયું છે. મોદીએ વધુમાં કહ્યું કે વડોદરામાં સાઈકલ, બાઈક અને રેલવેના કોચ બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે.
દાહોદમાં આદિવાસી મતબેંક અંકે કરવાનો પ્રયાસ
તો આ તરફ દાહોદમાં આદિવાસી મત બેંક અંકે કરવા વડાપ્રધાન મોદીએ આદિવાસીઓના વિકાસનો મુદ્દો છેડ્યો. વડાપ્રધાને ફરી દાહોદમાં વિશાળ જનસભાને સંબોધતા કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે 75 વર્ષ સુધી કોઇ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. એટલું જ નહીં ભાજપે જાહેર કરેલા આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન પણ ન આપ્યું.