Gujarat Election 2022: ભાવનગરમાં વિભાવરીબેન દવેનું પત્તુ કાપીને ભાજપે સેજલ પંડ્યાને આપી ટિકિટ
ભાવનગર પૂર્વ બેઠક (Bhavnagar East Seat) પર બ્રાહ્મણોનો દબદબો હોવાથી અહીં વિભાવરી બહેનને હટાવીને મત બેંક જાળવી રાખવા અન્ય મહિલા ઉમેદવાર તરીકે સેજલ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે 160 ઉમેદવારના નામ જાહેર કર્યા બાદ આજે વધુ 6 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. ભાજપે ભાવનગર પૂર્વ બેઠક પર પૂર્વ મંત્રી વિભાવરી દવેની ટિકિટ કાપીને બ્રાહ્મણ ઉમેદવાર સેજલ પંડ્યાને ટિકિટ આપી છે. આ અંગે ઉમેદવાર સેજલ પંડ્યાએ કહ્યું હતું કે તેઓ જનતા વચ્ચે જઈને વિકાસના કામો કરશે અને સ્થાનિક પ્રશ્નો જે પણ કંઈ હશે તેનો જલ્દી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. મહત્વપૂર્ણ છે કે ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં વધુ 6ના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર બ્રાહ્મણોનો દબદબો હોવાથી અહીં વિભાવરી બહેનને હટાવીને મત બેંક જાળવી રાખવા અન્ય મહિલા ઉમેદવાર તરીકે સેજલ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે
ગુજરાત ઇલેક્શન 2022: ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળના વિસ્તારો
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળ ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર પુરુષ 2,16,836 અને મહિલા 1,84,324 છે. એમ કુલ વસ્તી 4,01,161ને આંબી જાય છે. જ્યારે મતદારોની સંખ્યાની વાત કરીએ તો 1,33,753 પુરુષ મતદારો અને અને 1,28,560 મહિલા મતદારો છે. આમ કુલ 2,63,316 મતદારો અહીં છે.
ગુજરાત ઇલેક્શન 2022: મહુવા બેઠક પરથી આર.સી. મકવાણાનું નામ પણ કપાયું
ઉલ્લેખનીય છે કે ભાવનગરની 6 વિધાનસભા સીટો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મહુવા બેઠક પર આર.સી. મકવાણાની ટિકિટ કાપીને તળાજાના પૂર્વ ધારાસભ્ય શિવા ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. કોળી સમાજના સમીકરણોને ધ્યાને રાખી શિવાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિક મહુવા શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
મહુવા તાલુકા પંચાયતના તમામ ભાજપના સભ્યો અને સંગઠનના તમામ સભ્યો અને કાર્યકર આગેવાનોએ રાજીનામુ આપી દીધુ છે. આ તમામ કાર્યકર આગેવાનોની એક જ માગ છે કે તેમને મહુવામાં શિવાભાઈ ગોહિલ માટે ટિકિટની માગ પણ કરી ન હતી તો ભાજપે તેમને શા માટે ટિકિટ આપી શકે.
કોંગ્રેસના કનુભાઈ કલસરિયા જેવા મજબુત ઉમેદવાર સામે શક્તિશાળી ઉમેદવારને મેદાને ઉતારવાની જરૂર હતી તેવી મહુવા ભાજપના કાર્યકરોની માગ છે. આર.સી. મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે. શહેર અને જિલ્લાની એક પણ બેઠક પર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ ન આપતા વિરોધ નોંધાવ્યો છે.