રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પોતાની રાજકીય જમીન ઉભી કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીના માહોલ વચ્ચે Tv9 ગુજરાતી પહોંચ્યુ ભાવનગર (Bhavnagar) અને જાણ્યો ભાવેણાવાસીઓનો મિજાજ. ગોહિલવાડ તરીકે જાણીતા ભાવનગરના રહીશો કોના પર ઉતારશે પસંદગીનો કળશ અને કોને બતાવશે બહારનો રસ્તો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાવનગર બેઠકની જો વાત કરીએ તો અહીં છેલ્લી 5 ટર્મથી ભાજપ વિજય મેળવતું આવ્યું છે. આ બેઠકને ભાજપ (BJP) નો ગઢ માનવામાં આવે છે. અહીં 1995 સુધી કોંગ્રેસ (Congress) નો દબદબો હતો.. જો કે મોદી લહેરમાં ભાજપે અહી મેદાન માર્યુ છે અને ત્યારથી કોંગ્રેસનો રાજકીય વનવાસ શરૂ થયો. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પણ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા.
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 1972થી 11 વિધાનસભા ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં પાંચ પાંચ વાર જીત મેળવીને ભાજપ-કોંગ્રેસની હાર-જીતનું પલડું એક સરખુ રહ્યું છે. પરંતુ ભાવનગર ગ્રામ્ય બેઠક ભાજપ સાથે પરસોત્તમ સોલંકીનો પણ ગઢ માનવામાં આવે છે. આ એજ પરસોત્તમ સોલંકી છે જેમણે ભાજપને અહીં પ્રથમવાર જીતનો સ્વાદ ચખાડ્યો હતો. સ્થાનિક મત વિસ્તારના મોટા નેતા તરીકે ઓળખાતા પરસોત્તમ સોલંકી પાછલી 5 ટર્મથી ચૂંટાતા આવે છે. અને સતત 1998થી તેમને પ્રજાના મત મળી રહ્યો છે.
ભાવનગર ગ્રામ્યમાં કુલ 2 લાખ 95 હજાર 993 મતદારો છે. જેમા પુરુષ મતદારો 1 લાખ 53 હજાર 787 છે જ્યારે સ્ત્રી મતદારો 1 લાખ 42 હજાર 204 છે
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં 2017ની ચૂંટણીમાં ભાજપના પરસોતમ સોલંકીને 89,555 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કાંતિ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. ભાજપના પરસોતમ સોલંકી 30,993 મતે જીત્યા હતા.
ભાજપના પરસોતં સોલંકીને 83,890 મત મળ્યા. જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને 65,426 મત મળ્યા જ્યારે ભાજપના પરસોતમ સોલંકીને 18,554 મતે જીત્યા હતા.
ભાવેણાવાસીઓની મુખ્ય સમસ્યાઓમાં રોજગારીની સૌથી મોટી વિકટ સમસ્યા છે. જ્યારે GIDCમાં મોટા ઉદ્યોગોનો અભાવ છે. તો ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. તેમજ પાયાની રોડ, રસ્તા પાણી અને વીજળીની પણ સમસ્યા છે.
આ બેઠક પર 1972 થી 2017 સુધી 11 વખત ચૂંટણી યોજાઈ હતી. જેમા ભાજપ અને કોંગ્રેસની 5-5 વખત જીત થઈ. 1972થી 1995 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો જ્યારે 30 વર્ષ બાદ 1998માં ભાજપને જીત મળી છે. 1998થી પરસોતમ સોલંકીનું એકચક્રી શાસન રહ્યુ. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ પણ ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરી ચુક્યા છે. છેલ્લી પાંચ ટર્મથી સતત પરસોતમ સોલંકી ચૂંટાય છે.
અહીં કોળી સમાજનો દબદબો રહ્યો છે. મહુવા, પાલિતાણા, ગ્રામ્યમાં કોળી ઉમેદવાર જીત્યા છે. લોકસભા જીતેલા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી આવે છે. જેમા ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. આ બેઠક પર ઉજળિયાત વર્ગનો દબદબો રહ્યો છે. ગીરીયાધાર બેઠક પર પાટીદારોનો પ્રભાવ રહ્યો છે. અહીં 1995થી પરશોતમ સોલંકી સતત જીતતા આવ્યા છે. ત્યારે આ વખતે આ બેઠક પર ભાજપ ક્યા ઉમેદવાર પર પસંદગી ઉતારે છે અને મતદારો કોને સત્તાના શિખરે પહોંચાડે છે તે જોવુ રહેશે.