Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ, બીજા તબક્કાના મતદાન દરમિયાન નીચે જણાવેલા કેન્દ્રો પર ઇવીએમ મશીન ખોટકાયા હોવાના અહેવાલો છે. જેને કારણે મતદાનની પ્રક્રિયામાં વિલંબ પડયો હતો. સવારથી જ મતદારો મતદાન કેન્દ્રો પર ઉમટી રહ્યા છે. અને, મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવાઇ રહ્યા છે.
અમદાવાદના નારણપુરામાં ઇવીએમ ખોટકાયું
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં શાળા નંબર-4માં વહેલી સવારે જ ઇવીએમ મશીન ખોટકાયું હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. જેને કારણે મતદારોને રાહ જોવી પડી છે. અને, મતદાનની પ્રક્રિયાને અટકાવવાની ફરજ પડી છે.
નોંધનીય છેકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 10.30 વાગ્યે અમદાવાદની નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર આ વખતે ખરાખરીનો જંગ જામશે.
સાવલીના ટુંડાવ ગામમાં ઇવીએમ ખોટકાયું
આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા વિસ્તારના સાવલી-ટુંડાવ ગામમાં 211 નંબર મતદાન મથકનું EVM ખોટવાયુ છે. જેને કારણે EVM, સીયુ અને VVPT બદલવામાં આવ્યું છે. ટેકનિકલ ખામીના કારણે EVM બદલવું પડ્યું હતું. અહીં, મતદાન શરૂ થયાના અડધો કલાક દરમિયાન એક પણ મત પડ્યો ન હતો.
મોડાસાના સીડા ગામમાં પણ મશીન ખોટકાયું
તો મોડાસાના સીકા ગામમાં પણ EVM ખોટવાયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેને કારણે અહીં પણ મતદાન પ્રક્રિયા ખોરંભે પડી હતી. અરવલ્લીના મોડાસામાં મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ચારણવાડા ગામના મતદાન મથક પર મતદારોની લાંબી લાઈન લાગી હતી. મતદાનના શરૂઆતમાં જ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી.
ડભોઇના સાઠોદ ગામમાં મતદાનમાં વિક્ષેપ પડયો
ડભોઇ વિધાનસભાના સાઠોદ ગામે ઇવીએમ મશીન ખોટકાયું છે. વહેલી સવારે અહીં મતદારોની કતાર લાગી હતી. અને, મશીન ખોટકાતા તંત્રમાં દોડધામ મચી હતી. મશીન ખોટકાતા મતદાનમાં વિક્ષેપ પડયો છે. સાઠોદમાં 3 બુથ આવેલા છે. જેમાં 1 બુથ ઉપર મશીન ખોટકાયું છે.
નાગરવાડામાં ફરજ દરમિયાન પ્રિસાઈડીંગ ઓફિસરની તબિયત લથડી
વડોદરાના ગરવાડામાં પ્રિસાઈડીંગ ઓફિસરની ફરજ દરમિયાન તબિયત લથડી છે. શૈલેન્દ્ર સોલંકી નામના પ્રિસાઈડીંગ ઓફિસરની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, સંત જલારામબાપાનગર પ્રાથમિક શાળાના મતદાન બુથમાં આ ઘટના બની છે.
બીજા તબક્કાની 93 બેઠકો પર આજે મતદાન
બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કુલ 14 જિલ્લામાં આ મતદાન યોજાયું છે. જો વિગતવાર મતદાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ ,અરવલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા ,આણંદ, ખેડા ,પંચમહાલ,મહી સાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં મતદાન ચાલી રહ્યું છે.