પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની કોંગ્રેસના અશોક ગેહલોત સાથે બંધ બારણે થયેલી મુલાકાતથી રાજકારણ ગરમાયુ
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જોડતોડની મૌસમ ચાલી રહી છે. આ બધા વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જય નાયારણ વ્યાસની ગુજરાત કોંગ્રેસના સિનિય ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે થયેલી મુલાકાતથી રાજકારણ ગરમાયુ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે એકબીજા પક્ષમાં જોડાવાની મોસમ ચાલી રહી છે. કોંગ્રેસના સિનિયર નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ સાથેની એક બેઠક ચર્ચાનો મુદ્દો બન્યો છે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે થયેલ બેઠક બુકના રેફરન્સ માટેનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે મુલાકાતના અનેક અર્થ નીકળી રહ્યા છે. ગુજરાત ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી સહિતના અલગ અલગ મંત્રી પદ શોભાવનાર જય નારાયણ વ્યાસ છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટમાં નથી.
એવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસમાં મુલાકાત માટે પહોંચે છે. જયનારાયણ વ્યાસે આ મુલાકાતને નોનપોલિટિકલ એજન્ડા બેઠક કહે છે. ભાજપમાંથી કોરાણે મુકાયેલ વ્યાસ બેઠક અંગે જણાવે છે કે નર્મદા અંગેના પુસ્તક લેખન પર રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.
અશોક ગેહલોતે શું સંકેત આપ્યો?
રાજનીતિમાં દરેક ચહલપહલનો એક મતલબ નીકળતો હોય છે અને ના બોલાયેલ શબ્દોના પણ અનેક અર્થ થતા હોય છે. જય નારાયણ વ્યાસની ગત 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સતત અવગણનાની સ્થિતિ છે. આ સ્થિતિએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેની તેમની મુલાકાત ઘણું બધું કહી જાય છે. આ અંગે અશોક ગેહલોતે પણ રાજકીય સંકેત આપતા જણાવ્યું કે અમે અવારનવાર મળતા રહીશું અને તેમના અનુભવનો લાભ લેવા ઈચ્છીએ છીએ. રાજસ્થાને નર્મદાના પાણીનો ઉપયોગ કર્યો એનાથી વ્યાસ પ્રભાવિત થયા અને મને શુભકામનાઓ આપી. આ શુભકામનાઓ પણ બીટવીન ધી લાઈન્સ ઘણું કહી જાય છે.
ભાજપ બદલાઈ હોવાનું વ્યાસે કેમ કહ્યું હતું ?
થોડા સમય પહેલા જયનારાયણ વ્યાસે બાયપાસ સર્જરી કરાવી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે તેમને કમલમમાંથી બેઠકમાં હજાર રહેવા માટે ફોન આવતા તેઓ નારાજ થયા હતા. તેમણે ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી અને જણાવ્યું કે પહેલા તમે અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર નેતાઓ ખબર પૂછવા આવતા હતા. હવે ખરેખર પાર્ટી બદલાઇ ગઈ છે. વ્યાસની આજ નારાજગી અને ચૂંટણી પૂર્વે સિનિયર નેતાની વિરોધી પાર્ટીના નેતા સાથેની બંધ બારણે બેઠક પુસ્તક માટે ના જ હોઈ શકે.