ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : 2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો. અને તેના કારણે જ સત્તા સુધી પહોંચતા ભાજપ હાંફી ગયુ હતુ. જેથી આ વખતે 2017 માં જે નુકસાન થયુ તેને સરભર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આજે PM મોદી પ્રવાસના બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં જંગી પ્રચાર કરશે પ્રથમ તબક્કાની ચૂંટણીની બેઠકો પર PM મોદીનો આ છેલ્લો પ્રચાર રહેશે. PM મોદી પાલીતાણામાં બપોરે 12.15 કલાકે જનસભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2:45એ અંજારમાં, 4:30 કલાકે જામનગરમાં અને સાંજે 6:30 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભામાં સંબોધશે. આ સભામાં PM મોદી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં PM મોદીએ ગઈકાલે એક જ દિવસમાં ત્રણ મેરેથોન સભા ગજવી હતી. જેમાં આતંકવાદ, તુષ્ટિકરણ સહિતના મુદ્દે વિપક્ષ પર વાર કર્યા હતા. ભરૂચના નેત્રંગમાં જંગી જાહેરસભાને સંબોધી ભાજપે જાહેર કરેલા સંકલ્પ મુજબ ગુજરાતના સર્વાંગી વિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો. સાથે જ આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ.
ખેડાના મહેમદાબાદમાં આતંકવાદ મુદ્દે મોદીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો પર સણસણતા ચાબખાં માર્યા હતા. અને કહ્યુ કે, “તુષ્ટિકરણની રાજનીતિ કરનારા દરેક પક્ષો આતંકવાદીઓના સમર્થક છે” તો બીજી તરફ સુરતના વરાછામાં 27 કીમીનો મેગા રોડ શો કર્યો હતો. અને જંગી જાહેર સભા યોજી PM મોદીએ તમામ રેકોર્ડ તોડવાની વાત કરી હતી