Sathee Portal : શું છે NCERTનું સાથી પોર્ટલ, જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં કરશે મદદ
Sathee Portal : NCERT એ નવી વેબસાઈટ લોન્ચ કરી છે, જે એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફતમાં મદદ કરશે. આ નવી વેબસાઈટને 'સાથી પોર્ટલ 2024' નામ આપવામાં આવ્યું છે. આ પોર્ટલ વિદ્યાર્થીઓને હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં મફત અભ્યાસ સામગ્રી પ્રદાન કરશે.
Sathee Portal : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ એન્જિનિયરિંગ (JEE) અને મેડિકલ (NEET) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ‘સાથી પોર્ટલ 2024’ નામની વેબસાઇટ શરૂ કરી છે. તે એક મફત સ્વ-મૂલ્યાંકન સાધન છે જે વિદ્યાર્થીઓને હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં અભ્યાસ સામગ્રી પ્રદાન કરે છે. આ મફત સુવિધાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ સાથી પોર્ટલ sathee.prutor.ai ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને ત્યાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સાથી પોર્ટલના ફાયદા
સાથી પોર્ટલ એક સંપૂર્ણ ઓનલાઈન પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓને શીખવાની સામગ્રી, વીડિયો લેક્ચર્સ, મોક એક્ઝામ અને નિષ્ણાત કોચિંગની મફત ઍક્સેસ મળી શકે છે. તે વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોને વિવિધ સેવાઓ આપે છે અને વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં મદદ કરે છે.
સુવિધાનો લાભ લેવા વિદ્યાર્થીઓએ કરાવી નોંધણી
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP 2020) ના નિયમો અનુસાર દરેકને શિક્ષણમાં વાજબી પ્રવેશ મળવો જોઈએ. જેમાં મફત કોચિંગ પણ સામેલ છે. સરકારને આશા છે કે ‘સાથી’ પોર્ટલ દ્વારા નિ:શુલ્ક અભ્યાસ સામગ્રી પ્રદાન કરીને શિક્ષણના અંતરને પૂરવામાં આવશે અને સમગ્ર દેશમાં બાળકો માટે સમાન શૈક્ષણિક તકોને પ્રોત્સાહન આપવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર આ મફત સુવિધાનો લાભ લેવા માટે 4.37 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.
સાથી પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી?
- સૌ પ્રથમ, NCERT સાથી પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ sathee.prutor.ai પર જાઓ.
- તમારું નામ, ઇમેઇલ સરનામું અને અગાઉના શૈક્ષણિક રેકોર્ડ્સ દાખલ કરીને એકાઉન્ટ માટે નોંધણી કરો.
- પછી સ્પર્ધાત્મક પરીક્ષા પસંદ કરો. જેમ કે JEE, NEET અથવા SSC, જેના માટે તમે તૈયારી કરો છો.
- રજીસ્ટ્રેશન પછી તમે લાઇવ સત્રોમાં હાજરી આપી શકો છો. સ્વ-મૂલ્યાંકન સાધનોનો ઉપયોગ કરી શકો છો અને વીડિયો લેક્ચર્સ જોઈ અને સાંભળી શકો છો.
સાથી પોર્ટલ કેવી રીતે કામ કરે છે?
NCERT ‘SAATHI’ પોર્ટલ પર નોંધણી કર્યા પછી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ અથવા SSCની તૈયારીનો વિકલ્પ પસંદ કરી શકે છે. તે પછી તેઓને NCERT અભ્યાસક્રમ પર આધારિત લાઇવ ક્લાસ, ટ્યુશન, પુસ્તકો અને વીડિયો સોલ્યુશન્સ મળશે. પોર્ટલ દ્વારા ઓનલાઈન ઉપરાંત ડીટીએચ ચેનલો દ્વારા પણ તાલીમ ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે, જે મર્યાદિત ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્થળો માટે તેને વધુ અનુકૂળ બનાવે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવા અને અભ્યાસ સામગ્રીને સુલભ બનાવવા માટે એક ચેટબોટ પણ સામેલ કરવામાં આવ્યું છે.