મહારાષ્ટ્ર : Online Exam ની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવ કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ
મુંબઈ સહિત નાગપુર, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, નાંદેડ અને જલગાંવમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ અંગે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યુ કે, 'કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ કરે છે તો કેટલાકની માંગ છે કે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે. '
Maharashtra : મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા (Online Exam) લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ મુંબઈના ધારાવી સ્થિત શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના(Varsha Gaikwad) બંગલાનો ઘેરાવ કર્યો હતો. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓની દલીલ છે કે જ્યારે અભ્યાસ ઓનલાઈન થયો છે તો પછી પરીક્ષા ઓફલાઈન શા માટે લેવામાં આવી રહી છે.
હિન્દુસ્તાની ભાઉના કહેવાથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
વિદ્યાર્થીઓએ કહ્યુ કે તેઓ સોશિયલ મીડિયા પર મશહુર હિન્દુસ્તાની ભાઉ (Vikash Pathak )ના કહેવા પર ભેગા થયા છે. મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ હિન્દુસ્તાની ભાઉ દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં તથ્ય જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે હિન્દુસ્તાની ભાઉ ધરપકડ પહેલા જામીન માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે. હાલ આ મામલે ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
રવિવારે શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યુ હતુ કે, રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે અને ઑફલાઇન કરવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય લંબાવીને ઓનલાઈન મોડ દ્વારા પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના આંદોલન પર પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ કે જે પણ માંગણીઓ છે તેના પર ચર્ચા થઈ શકે છે, આંદોલનની શું જરૂર છે ? શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ કહ્યુ કે, જાણ કર્યા વિના આંદોલન કરવું ખોટું છે. મળતી માહિતી મુજબ આ મુદ્દે ચર્ચા કરવા અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે.