Career : દેશમાં 112 મેડિકલ કોલેજ થશે તૈયાર, જાણો કેટલી વધશે MBBS સીટો
આગામી ચાર વર્ષમાં દેશમાં 112 મેડિકલ કોલેજો (Medical Colleges) તૈયાર થશે. આ મેડિકલ કોલેજોથી એમબીબીએસની (MBBS) બેઠકોની સંખ્યામાં પણ વધારો થશે.
છેલ્લા બે વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રને લઈને પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. કોવિડ રોગચાળા દરમિયાન દેશના સ્વાસ્થ્ય માળખા પર દબાણ બધાએ જોયું હતું. આ જ કારણ છે કે હવે કેન્દ્ર સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Health infrastructure) વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health) દેશભરમાં હાલમાં વર્તમાન મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યું છે. મંત્રાલયની યોજના હેઠળ આગામી ચાર વર્ષમાં દેશના જુદા-જુદા ભાગોમાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરમિયાન 112 જિલ્લાઓની પસંદગી કરવામાં આવશે, જ્યાં મેડિકલ કોલેજો બનવા જઈ રહી છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, મેડિકલ કોલેજ બનાવવાનો અર્થ એ છે કે મેડિકલ સીટોની સંખ્યામાં પણ વધારો થશે. આ રીતે NEETની પરીક્ષા આપ્યા બાદ મેડિકલ કોર્સમાં એડમિશન લેનારા ઉમેદવારોને મોટી રાહત મળવાની છે. આ કોલેજો એવા જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે જ્યાં વસ્તી 10 લાખથી વધુ છે. તેથી વસ્તી એક મોટું પરિબળ બનશે. આ ઉપરાંત મેડિકલ કોલેજો સ્થાપતા પહેલા આ જિલ્લાઓમાં હજુ સુધી કોઈ સરકારી કે ખાનગી મેડિકલ કોલેજ અસ્તિત્વમાં નથી તેની પણ કાળજી લેવામાં આવશે.
મેડિકલ કોલેજોમાં હવે કેટલી સીટો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આ મેડિકલ કોલેજોની રચના બાદ દેશમાં MBBS મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા વધીને 11 હજાર થઈ જશે. જો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, દેશમાં 332 સરકારી મેડિકલ કોલેજ છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે 48,012 સીટો છે.
આ સિવાય દેશમાં હાલમાં 290 ખાનગી કોલેજો કાર્યરત છે, જ્યાં બેઠકોની સંખ્યા 43,915 છે. બીજી તરફ, જો આપણે પોસ્ટગ્રેજ્યુએટની બેઠકોની સંખ્યા વિશે વાત કરીએ, તો સરકારી અને ખાનગી બંને કોલેજોમાં કુલ 60,202 પીજી બેઠકો છે.
ક્યાં રાજ્યમાં કેટલી મેડિકલ કોલેજ બનશે..?
રાજ્ય | પ્રસ્તાવિત મેડિકલ કોલેજની સંખ્યા |
મધ્યપ્રદેશ | 21 |
ઉત્તરપ્રદેશ | 14 |
બિહાર | 14 |
ઝારખંડ | 10 |
હરિયાણા | 8 |
ઓડિશા | 8 |
અસમ | 8 |
મહારાષ્ટ્ર | 6 |
છત્તીસગઢ | 4 |
પંજાબ | 4 |
દિલ્લી | 2 |
ગુજરાત | 2 |
રાજસ્થાન | 2 |
તમિલનાડુ | 1 |
કેરલ | 1 |
પશ્ચિમ બંગાળ | 1 |
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર 112 મેડિકલ કોલેજ બનાવવા માટે કુલ 36 હજાર કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. નાણા મંત્રાલય ટૂંક સમયમાં આ યોજનાને લીલી ઝંડી આપવા જઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે એવા તમામ જિલ્લાઓ પર પસંદગી ઉતારી છે, જ્યાં મેડિકલ કોલેજો સ્થાપવાની છે.