Breaking News CUET-UG 2026ના વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો! 28 મેની બંને શિફ્ટની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CUET UG 2026 હેઠળ 28 મેના રોજ યોજાનારી બંને શિફ્ટની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. બકરીઈદની જાહેર રજાની તારીખમાં ફેરફારને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. નવી પરીક્ષા તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

CUET-UG 2026ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ બકરીઈદની રજાની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને 28 મે 2026ના રોજ યોજાનારી પરીક્ષા હાલ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
NTAએ જાહેર કર્યું અપડેટ
દેશભરના લાખો વિદ્યાર્થી માટે NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET-UG 2026 અંગે મોટું અપડેટ જાહેર કર્યું છે. કેન્દ્રીય તેમજ અન્ય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી આ મહત્વપૂર્ણ પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બકરીઈદ એટલે કે ઈદ-ઉલ-ઝુહાની જાહેર રજાની તારીખ બદલાતા 28 મે 2026ના રોજ યોજાનારી પરીક્ષા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે.
NTAએ વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી એવી સલાહ આપી છે અને સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા જણાવ્યું છે. એજન્સી ટૂંક સમયમાં નવી પરીક્ષા તારીખ અને નવા એડમિટ કાર્ડ જાહેર કરશે.
Important update for CUET (UG) 2026 candidates.
The examinations scheduled for 28 May 2026 (both shifts) stand postponed — in view of the change in the date of the Id-ul-Zuha (Bakrid) holiday as per Government of India notification.
️ Revised exam dates for affected… pic.twitter.com/I9KhTFwMhE
— National Testing Agency (@NTA_Exams) May 24, 2026
28 મેની બંને શિફ્ટની પરીક્ષા મોકૂફ
NTAના જણાવ્યા અનુસાર, 28 મે 2026ના રોજ યોજાનારી CUET-UG પરીક્ષા વહીવટી અને સુરક્ષા કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા, જાહેર પરિવહન અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે યોજાનારી પ્રથમ અને બીજી બંને શિફ્ટની પરીક્ષાઓ હવે નવી તારીખે લેવામાં આવશે.
ટૂંક સમયમાં જાહેર થશે નવું પરીક્ષા શેડ્યૂલ
એજન્સીએ જણાવ્યું છે કે જેમની પરીક્ષા 28 મેના રોજ યોજાવાની હતી, તેમના માટે નવી તારીખો સાથેનું અપડેટેડ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નવી પરીક્ષા તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની સાથે નવા એડમિટ કાર્ડ પણ બહાર પાડવામાં આવશે.
એડમિટ કાર્ડમાં આ વિગતો જરૂર તપાસો
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી લેવી. તેમાં ઉમેદવારનું નામ, ફોટોગ્રાફ, જન્મતારીખ, પરીક્ષાની તારીખ અને શિફ્ટ, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું, પસંદ કરાયેલા વિષયો અને પ્રશ્નપત્રની ભાષા જેવી વિગતો સામેલ હશે. સાથે જ પરીક્ષા સંબંધિત માર્ગદર્શિકા પણ ધ્યાનથી વાંચવી જરૂરી રહેશે.
પરીક્ષા કેન્દ્ર પર આ દસ્તાવેજો ફરજિયાત રહેશે
NTAએ સ્પષ્ટ કર્યું છે કે એડમિટ કાર્ડ વિના કોઈપણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ સાથે માન્ય ફોટો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા સ્કૂલ આઈડી તેમજ એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે રાખવો ફરજિયાત રહેશે.
અફવાઓથી દૂર રહો, માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો
NTAએ જણાવ્યું છે કે માત્ર 28 મેની પરીક્ષા જ મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે બાકીની તમામ પરીક્ષાઓ અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ જ યોજાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવતા અપડેટ્સ પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે.
