શું છે ખેડૂતો માટેની સોલાર યોજના ? નાના ખેડૂતો આધુનિક ટેકનોલોજીથી જોડાશે : પીએમ મોદી
વડાપ્રધાન મોદી આજે એટલે કે 22 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત આવ્યા હતા. તેમણે ગુજરાતની જનતાને સંબોધતા નારી શક્તિનો ઉલ્લેખ કર્યો હતો અને ખેડૂતો તેમજ પશુપાલકો વિશે વાતો પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો સોલાર પેનલનો ઉપયોગ ખેતરોમાં કરી શકશે અને આમ તેઓ અન્નદાતા હવે ઊર્જા દાતા પણ બનશે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આવીને ડ્રોન દીદી તેમજ મહિલા સશક્તિકરણ વિશે વાતો કરી હતી. તેઓએ ખેડૂતોના હિતને લઈને યોજનાઓ પણ સમજાવી હતી. તેમાં એક યોજના એટલે કે ખેડૂત સોલાર યોજના વિશે પણ વાત કરી હતી.
પીએમ મોદીએ સભા સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધ્યો છે. ટપક સિંચાઈ માટે ખેડૂતોને મદદ પણ કરવામાં આવે છે. અમે લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની સ્થાપના કરી છે. જેમાં ખેડૂતોને વૈજ્ઞાનિક સમાધાન મળી શકે. જૈવિક ખાતર બનાવવામાં ખેડૂતોને મદદ મળી રહે તે માટે વ્યવસ્થા બનાવવામાં આવી છે.
પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે
અમે ખેડૂતોને સોલાર ફર્મ આપી રહ્યા છીએ. નાના-નાના પ્લાન્ટ લગાવવા માટે મદદ આપી રહ્યા છીએ. આ સિવાય ગોવર્ધન યોજના હેઠળ પશુપાલકો પાસેથી છાણ ખરીદવાની વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. છાણથી જ્યાં ડેરી પ્લાન્ટ છે ત્યાં વિજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે અને જે જૈવિક ખાતર બને છે તેને ખેડૂતોને ઓછી કિંમતે પાછું આપવામાં આવે છે.
શું છે આ કુસુમ યોજના?
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પેનલની સુવિધા આપવામાં આવી છે. આ યોજના હેઠળ સોલાર પંપ લગાવવાના કુલ ખર્ચના 90 ટકા સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને સોલર પંપ લગાવવા પર 90% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. તમે કૃષક પ્રધાન મંત્રી કુસુમ યોજના માટે અરજી કરીને સબસિડીનો લાભ મેળવી શકો છો. સાથે જ તમને જણાવી દઈએ કે આ યોજના બંજર જમીન માટે પણ ઉપયોગી છે. દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને સોલાર પંપ લગાવીને તેમની જમીનને સરળતાથી સિંચાઈ કરી શકશે.
સોલાર પેનલ 25 વર્ષ સુધી ચાલશે અને તેની જાળવણી પણ ખૂબ જ સરળતાથી કરી શકાય છે. દેશના ખેડૂતોના કલ્યાણ માટે ફ્રી સોલાર પેનલ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેતરોમાં 3, 4, 5 KWના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે.
કોણ અરજી કરી શકે છે
દેશના કોઈપણ ખેડૂત જે કુસુમ યોજનાનો લાભ લેવા માગે છે તે ઓનલાઈન ફોર્મ ભરીને પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
સોલાર પંપ આવકનો સ્ત્રોત
આ યોજના હેઠળ વીજળી અને ડીઝલ પર ચાલતા પંપને સૌર ઉર્જા પર ચાલતા પંપમાં પરિવર્તિત કરવામાં આવશે. સૌપ્રથમ સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવશે. આ પછી તેને સરપ્લસ ડિસ્ટ્રિબ્યુશન કંપની (DISCOM) ને વેચી શકાય છે અને તે 25 વર્ષ સુધી આવક પ્રદાન કરશે.