ગોખરુ (Bindii)એ ચોમાસા દરમિયાન જમીનમાં ઊગી નીકળતો એક કાંટાવાળો છોડ છે. જેને આપને સામાન્ય રીતે પડતર જમીન અથવા ખેતરના શેઢાઓ તેમજ કેડીઓમાં જોતા હોઈએ છીએ. ગોખરૂ( Tribulus Terrestris)માં બે જાતના છોડ હોય છે પરંતુ બંનેના ગુણો સરખા જ છે. આયુર્વેદની દષ્ટિએ તો તે ખુબ ઉપયોગી છે જ પરંતુ વ્યવસાયની રીતે પણ ફાયદાકારક બની શકે છે. સ્વભાવિક છે કે તેની ખેતી ન થતી હોય અથવા તો કરી ન શકાતી હોય પરંતુ ખેતરના શેઢે આપમેળે ઉગતો આ છોડ એક નફાનું સાધન અને રોગોના ઈલાજ માટે ઉપયોગી વસ્તુ છે. તો જાણો ગોખરાના આ ઉપયોગો અને ગુણધર્મો વિશે.
ગોખરૂનો છોડ 12થી 40 સેમી. ઊંચો, શાખિત, પથરાતો, આછી રુવાંટીવાળો છોડ છે. તેનાં પાન સાદાં હોય છે. ફળ-ફૂલ જુલાઈથી જાન્યુઆરી માસ સુધી રહે છે. તેનાં ફૂલ એકાકી હોય છે અને ચણીબોર જેવું પિરામિડ આકારનું ચતુષ્કોણીય ફળ હોય છે. તે દ્વારકા-ઓખા-વેરાવળના દરિયાકિનારે વધુ મળે છે. એને ઊભું ગોખરુ પણ કહે છે. તેનાં પાંદડાં તલના પાંદડા જેવાં હોય છે. તેને ફળ ઉપર ચારે બાજુએ ચાર કાંટા હોય છે. ગળો, ગોખરુ અને આંબળાના ચૂર્ણમાં ગોખરુ અગત્યનું ઘટક છે.
ગોખરુ જમીન ઉપર સાદડીની જેમ પથરાય છે. ચોમાસામાં ઊગી નીકળતો વાર્ષિક છોડ છે. તેની બે જાતો ગુજરાતમાં મળે છે. તેને પીળા રંગનાં ફૂલ આવે છે. ફળ પાકે ત્યારે તેને ત્રણ કઠણ બુઠ્ઠા (blunt) કાંટા હોય છે. તેને લીધે વગડામાં કે કેડી ઉપર રબરવાળા તળિયામાં બૂટ-ચંપલમાં ઘૂસી જાય છે. ખુલ્લા પગે ચાલનારને તે વાગે છે. તેનાં પાંદડાનું શાક પણ થાય છે. તેના ફળને ત્રણ ખૂણા હોય છે. તેમાં બે ઉપર એકેક કાંટો હોય છે. ત્રીજા પર નહિ જેવો જ હોવાથી ફક્ત બે કાંટા જ લાગે છે. તે જમીનની સપાટી ઉપર બધી જ બાજુએ ફેલાઈ એક ઘટ્ટ સાદડી રૂપે પથરાય છે.
આયુર્વેદ અનુસાર, ગોખરુ શીતળ, બલકારક, મધુર, બૃંહણ, બસ્તિશુદ્ધિકારક, વૃષ્ય, પૌષ્ટિક, રસાયન, અગ્નિદીપક અને સ્વાદુ હોય છે. તે મૂત્રકૃચ્છ્ર, અશ્મરી, દાહ, મોહ, દમ, ઉધરસ, હૃદરોગ, અર્શ, બસ્તિવાલ, ત્રિદોષ, કોઢ, શૂળ અને વાયુનો નાશ કરે છે. ઔષધોમાં તેનાં પંચાંગ અને ફળોનો સમાવેશ થાય છે.
ગોખરુ શીતવીર્ય, મુત્રવિરેચક, બસ્તિશોધક, અગ્નિદીપક, વૃષ્ય, તથા પુષ્ટિકારક હોય છે. વિભિન્ન વિકારોમાં વૈદ્યવર્ગ દ્વારા આનો પ્રયોગ કરવામાં આવે છે. મુત્રકૃચ્છ, સોજાક, અશ્મરી, બસ્તિશોથ, વૃક્કવિકાર, પ્રમેહ, નપુંસકતા, ગર્ભાશયના રોગ, વીર્ય ક્ષીણતામાં આનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ રસાયન ચૂર્ણની બનાવટમાં આમળાં અને ગળોની સાથે ગોખરુ પણ ઉમેરવામાં આવે છે, કેમ કે આમળાં અને ગળોની જેમ ગોખરુ પણ રસાયન ઔષધ છે. રસાયન એટલે એવું ઔષધ કે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દૂર રાખવામાં શરીરને મદદરૃપ થાય. ગોખરુમાં આવા જ ઔષધીય ગુણો રહેલા છે. રસાયન હોવાની સાથે ગોખરુ મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધ છે.
રસાયન ચૂર્ણની જેમ ગોક્ષુરાદિ ગૂગળ, ગોક્ષુરાદિ કવાથ, ગોક્ષુરાદિ અવલેહ, ગોક્ષુરાદિ ઘૃત વગેરે ઔષધોમાં ગોખરુ મુખ્ય ઔષધ રૃપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર તેનો સૌથી વિશેષ ઉપયોગ પથરી, પ્રમેહ, પેશાબની બળતરા, અટકાયત કે શૂળ નિવારવા થાય છે. તેનો ઉકાળો પીવાથી મૂત્ર છૂટથી આવે છે અને સંગ્રહાયેલાં દોષદ્રવ્યો પળમાં દૂર થાય છે.
તે શીતવીર્ય, વૃષ્ય, બલ્ય અને વાજીકરણ બળ આપતું, યુવાનોની જાતીય મંદતા, વીર્યદોષ કે ક્ષયમાં પ્રમાણભૂત ઔષધ નીવડ્યું છે. તેનો કવાથ પીવાથી વાતજ, સંધિગત રોગોમાં મૂત્રામ્લ વધતું અટકાવી અકસીર અસર કરે છે. તે મૂત્રપ્રમાણ વધારી પિત્તજ દાહની ગરમીને દૂર કરે છે. મૂત્રપિંડ(kidney)ના રોગોની એ ઉત્તમ નિર્દોષ ઔષધિ છે. તેથી જ તેને સંસ્કૃતમાં વનશૃંગારક કહે છે.
વિવિધ પ્રકારે ઉપયોગી ગોખરૂનો પાવડર હાલ ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર મળે છે જેની એક કિલો પાવડરની 800 થી 900 રૂપિયા આસપાસ કિંમત છે. આ પાવડર જાતે બનાવીને તેમાંથી કમાણી પણ થઈ શકે છે. જેમાં ખેડૂતોને તો આ છોડ ખેતરમાં સરળતાથી મળી રહેશે તેથી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ આ વસ્તુને વ્યવસાયિક રીતે વિકસાવી શકાય છે.
આ પણ વાંચો: મોદી સરકારની આ યોજના દ્વારા સરળતાથી બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 2:50 pm, Wed, 27 April 22