Sugarcane Price: શેરડીના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો ખેડૂતોને થશે કેટલો ફાયદો
સરકાર શેરડીના ટેકાના ભાવમાં 30 થી 35 રૂપિયાનો વધારો કરી શકે છે. શેરડીના ભાવમાં વધારો થવાથી 45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે. રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં શેરડી મુખ્ય રોકડિયા પાક તરીકે ખેતી કરવામાં આવે છે.
લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનારી છે. તે પહેલા ઉત્તર પ્રદેશ સરકાર ખેડૂતોને (Farmers) મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે શેરડીના ભાવમાં (Sugarcane Price) વધારો કરવાની તૈયારી શરૂ કરી છે. થોડા દિવસ પહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રતિનિધિ મંડળે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. કિસાન યુનિયન રાષ્ટ્રીય પ્રવક્તા ધર્મેન્દ્ર મલિક અને પ્રદેશ અધ્યક્ષ હરિનામ સિંહ વર્માની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે યોગી આદિત્યનાથને 11 મુદ્દાની માગ અંગે પત્ર આપ્યો હતો.
શેરડીના ભાવ વધારવાની માગ કરવામાં આવી
આ પત્રમાં શેરડીના ભાવ વધારવાની પણ માગ કરવામાં આવી હતી, જેના પર સીએમ યોગીએ સહમતિ દર્શાવી હતી. ઉત્તર પ્રદેશ દેશમાં શેરડીનું ઉત્પાદન કરતું સૌથી મોટુ રાજ્ય છે. ધર્મેન્દ્ર મલિકે કિસાન તક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે પણ શેરડીના ભાવમાં કોઈ વધારો થયો નથી. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને શેરડીના ભાવ 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવા માગ કરી હતી.
બાકી રકમની તાત્કાલિક ચૂકવણી કરો
તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના શેરડીની બાકી રકમની ચૂકવણી તાત્કાલિક કરવી જોઈએ. આગામી 14 દિવસમાં ચુકવણી કરવામાં આવશે નહીં તો, તેના પર નિયમ મૂજબ વ્યાજ આપવાનું રહેશે. મલિકે કહ્યું કે, વર્ષ 2022-23માં શેરડીના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેથી ખેડૂતોને સીએમ યોગી પાસેથી આશાઓ છે.
45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુપી સરકાર શેરડીના ટેકાના ભાવમાં 30 થી 35 રૂપિયાનો વધારો કરી શકે છે. શેરડીના ભાવમાં વધારો થવાથી ઉત્તર પ્રદેશના 45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે. રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં શેરડી મુખ્ય રોકડિયા પાક તરીકે ખેતી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Carrot Farming: ગાજરની આ સુધારેલી જાતો આપશે વધારે ઉત્પાદન, પુસા સંસ્થાએ ખેડૂતોને આપી સલાહ
તાજેતરમાં રાજધાની લખનૌના ઈકો ગાર્ડનમાં ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.