બાગાયત ખેતી તરફ અગ્રેસર બનતું જામનગર, ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂતે એક જ સીઝનમાં મેળવ્યો 3 લાખથી વધુ નફો

બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે, જ્યારે ડ્રેગન ફ્રુટના પાકમાં એક વર્ષમાં જ ફળની આવક થાય છે.

બાગાયત ખેતી તરફ અગ્રેસર બનતું જામનગર, ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂતે એક જ સીઝનમાં મેળવ્યો 3 લાખથી વધુ નફો
Dragon Fruit Farming

ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓને આકાર આપી ધરતીપુત્રોના પરિશ્રમ સાથે સરકારના સાથથી ગુજરાતના કૃષકોના સોનેરી સૂર્યના સ્વપ્ન પૂર્ણ કર્યા છે. જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત (Farmers) જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટની (Dragon Fruit) ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે. જયંતીભાઈ સરકારની આત્મા યોજના સાથે જોડાયેલા છે. સામાન્ય ખેતીથી કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે જ બાગાયત ખેતીમાં નવા પાકોના પ્રયોગ કરતા ડ્રેગન ફ્રુટની (Dragon Fruit) ખેતી કરે છે.

જેન્તીભાઈ કહે છે કે, બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે, જ્યારે ડ્રેગન ફ્રુટના (Dragon Fruit) પાકમાં એક વર્ષમાં જ ફળની આવક થાય છે. વળી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ ઝુકાવ હોવાથી અમે આ પાકમાં રાજ્ય સરકારની સહાયથી સેન્દ્રીય ખાતરનો અને ટપક સિંચાઇનો ઉપયોગ કરીએ છીએ.

ડ્રેગન ફ્રુટની ખેતીમાં સંપૂર્ણ ચોમાસા દરમિયાન ચારથી પાંચ વખત ફળોનો ફાલ મળે છે. આ પાક થકી જયંતીભાઈ માત્ર એક જ સીઝનમાં અંદાજિત 3.25 લાખ રૂપિયા જેટલો નફો મેળવે છે. પ્રાયોગિક ધોરણે બે વર્ષ પહેલાં કરેલી આ શરૂઆતમાં સરકારના સહકાર સાથે આજે બે વીઘાના વિસ્તારમાં માત્ર ડ્રેગન ફ્રુટની (Dragon Fruit) ખેતી કરવામાં આવે છે. તે સિવાયના ભાગોમાં જેન્તીભાઈએ ટિશ્યૂ કલ્ચર ખારેક વાવી છે તો સીતાફળની નવી જાતનું પણ હાલ પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે.

જેન્તીભાઈ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે જેના થકી આજે તેઓ ઓર્ગેનિક લાઇસન્સ અને ફ્રુટ ક્વોલિટી લાઈસન્સ સાથે પોતાના ફાર્મ પરથી સીધું જ વેચાણ કરી ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે. જેંન્તીભાઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જેન્તીભાઈએ અન્ય ખેડૂત વિશાલભાઈ સાથે મળી નર્સરીનો પણ પ્રારંભ કરેલ છે, જેમાં ડ્રેગન ફ્રૂટના (Dragon Fruit) 65 હજાર જેટલાં રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેન્તીભાઇ અન્ય ખેડૂતોને પણ પરંપરાગત પાકોથી અલગ વિચારી નવા પાકો, નવી ખેત પદ્ધતિઓના પ્રયોગો કરી સરકારના માર્ગદર્શન અને આર્થિક સહાય થકી આધુનિક ખેતી તરફ વળવા સંદેશ આપે છે.

જેન્તીભાઈને જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહીરભાઈ પટેલ દ્વારા પણ સરકારની નવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ જયંતીભાઈના ફાર્મની મુલાકાત લઇ રાજ્ય સરકારની યોજનાઓના લાભ સાથે વધુ પ્રગતિ કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

 

આ પણ વાંચો : PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

Click on your DTH Provider to Add TV9 Gujarati