વડોદરાના (Vadodara) તૃષા સોલંકી હત્યા કેસના (Trusha Solanki murder case) આરોપી કલ્પેશ ઠાકોરને ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાંચે (Crime Branch) હત્યારાના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો બીજી તરફ આરોપી તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા કાનૂની સેવા સત્તા મંડળમાંથી તેને વકીલની સુવિધા આપવામાં આવી છે. તો તૃષા હત્યા કેસમાં બીજા પણ કેટલાક ખુલાસા થયા છે. વડોદરાના ચકચારી તૃષા સોલંકી હત્યાકેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રૂરતાપૂર્વક તૃષાને રહેંસી નાખ્યા બાદ હત્યારો કલ્પેશ ઠાકોર, જાણે કે કશું જ બન્યું હોય તેમ ઘરે જઇને શાંતિથી સૂઇ ગયો હતો.
તો પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે કલ્પેશ હત્યા માટે પોતાના મિત્રને સાથે લઇ ગયો હતો. જોકે મિત્ર કલ્પેશના હેવાની ઇરાદાથી અજાણ હોવાની વિગતો સામે આવી છે. ત્યારે હત્યા પહેલાના કેટલાક CCTV પોલીસને હાથ લાગ્યા છે. જેમાં જોઇ શકાય છે કે કલ્પેશ પોતાના મિત્ર સાથે બાઇક પર જઇ રહ્યો છે.
વડોદરાના ધનિયાવી ગામની સીમમાં તૃષા સોલંકીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો, જમણો હાથ કોણીના ભાગેથી કપાયેલો હતો, મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા હતા અને સ્કૂટર નજીકમાં પડી રહ્યુ હતું. મૃતદેહ પાસેથી મળી આવેલ આધાર કાર્ડ અને સ્કૂટરના નમ્બરના આધારે તપાસ કરતા મકરપુરા પોલીસ તેના મામાના ઘર સુધી પહોંચી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-